હિંમતનગરના કાળુસિંહ ઠાકોર છેલ્લા 44 વર્ષથી એક પણ ચૂંટણીમાં મતદાન ચૂક્યા નથી; વિધાનસભાની ચુંટણીને લઈને MCMCની સાપ્તાહિક બેઠક યોજાઈ
છેલ્લા 44 વર્ષથી ચૂંટણીમાં મત આપવાનું ચૂક્યા નથી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના સ્ટેશન રોડ પર જુની સિવિલ પાંચબત્તી વિસ્તારમાં રહેતા 62 વર્ષિય કાળુસિંહ કેસરસિંહ ઠાકોર દિવ્યાંગ હોવા છતાં દરેક ચૂંટણીમાં ફરજીયાત મતદાન કરે છે. તેઓ હિંમત હાઇસ્કૂલ ખાતેના તેમના મતદાન મથકે વર્ષોથી મતદાન કરે છે. જેઓ છેલ્લા 44 વર્ષથી એક પણ ચૂંટણીમાં મત આપવાનું ચૂક્યા નથી. અને કહી રહ્યા છે કે, મતદાન કરવું એ આપણો અધિકાર છે. જે આપણને ભારતીય બંધારણ દ્વારા આપવામાં આવેલો સૌથી મહત્વનો અને મોટો અધિકાર છે. આ અધિકાર દ્વારા આપણે એક સ્વસ્થ અને સુંદર સમાજનું નિર્માણ કરી શકીએ છીએ. ભારતના નાગરીક તરીકે મતદાન કરવુંએ ગર્વની વાત છે. આ લોકશાહીના અવસરને ઉજવવા દરેક નાગરીકે અચુક મતદાન કરવું જોઇએ. તેવી દિવ્યાંગ કાળુસિંહે ઠાકોરે અપીલ કરી હતી.
MCMCની સાપ્તાહિક બેઠક
હિંમતનગર કલેકટર કચેરી ખાતે સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને MCMCના અધ્યક્ષની અધ્યક્ષતામાં સાપ્તાહિક બેઠક મળી હતી. જેમાં મુખ્યત્વે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં આવતા સમાચારો અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. ઉમેદવાર દ્વારા આપવામાં આવતી જાહેર ખબર તેમજ મીડિયામાં આવતા પેડ સમાચાર અંગે જે તે ઉમેદવારના ખર્ચમાં ગણતરી કરવાની થાય છે. તે અંગે સસ્પેક્ટેડ ન્યૂઝનું જિલ્લા માહિતી ખાતા દ્વારા નિરીક્ષણ કરી આ બેઠકમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં નાયબ માહિતી નિયામક અરવિંદભાઈ મછાર, નાયબ ચૂંટણી અધિકારી દિપ્તિબેન પ્રજાપતિ, NICના હરીશકુમાર તથા દુરદર્શન સભ્ય ભરત ચૌહાણ અને અન્ય સભ્યો બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા.