બે દિવસના ટૂંકા વિધાનસભા સત્રમાં કૉંગ્રેસ ભાજપને ક્યા મુદ્દે હંફાવશે ? જાણો…..
Gandhinagar :
આગામી ૧૮ અને ૧૯ સપ્ટેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાનું ટૂંકુ સત્ર મળી રહ્યું છે ત્યારે કોંગ્રેસ દ્રારા કેટલાક મહત્વના મુદ્દાઓને લઇ ભાજપ સરકારને બરાબર ભીંસમાં લેવાની રણનીતિ તૈયારી કરી છે. ખાસ કરીને બહુચર્ચિત મગફળીકાંડ, પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો, ખેડૂતોના દેવા માફી, બેરોજગારી જેવા મુદ્દાઓ પર રાજય સરકારને ઘેરવાની રણનીતિ બનાવી હોવાનું કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતુ. ઉપરાંત કૉંગ્રેસ દ્રારા વિધાનસભા સત્ર ને લંબાવવાની કૉંગ્રેસ માંગણી કરશે ઍમ પણ જણાવ્યું હતુ.
શુક્રવારે બપોરે કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં કોંગ્રેસના ધારાસભ્યોની મહત્વની બેઠક મળી હતી.
આ બેઠકમાં ખાસ કરીને આગામી ૧૮ અને ૧૯ સપ્ટેમ્બરે મળનાર ગુજરાત વિધાનસભાના સત્રમાં કેવી રણનીતિ અપનાવવી તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરના દિવસોમાં રાજયમાં બહુ ચગેલા કરોડોના કૌભાંડ મગફળીકાંડને લીધે કોંગ્રેસે ભાજપ સરકારને બરાબર ભીંસમાં લીધી હતી. પ્રતિક ઉપવાસ, ધરણા, રેલી, દેખાવો કરી ન્યાયિક તપાસ કરવા માગણીઓ કરી હતી.
ખેડૂતોના દેવા માફી ઉપરાંત હાલમાં જ પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવોને લઈ કોંગ્રેસે ભારત બંધનું એલાન આપ્યું હતું. કોંગ્રેસની માગણી હતી કે કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડીઝલ પરથી એકસાઈઝ ડયુટી અને ગુજરાત સરકાર વેટમાં ઘટાડો કરે ઉપરાંત પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં આવરી લેવામાં આવે.
આ ઉપરાંત વધતી જતી બળાત્કારની ઘટના, જમીન માપણીમાં ખેડૂતોની જમીનોમાં હેરફેર, બેરોજગારી જેવા અનેક મુદ્દાઓ છે. જેનાથી રાજય સરકાર ભીંસમાં મુકાઈ શકે છે.