આજે 155 બસોમાં ઈવીએમ મતદાન મથકો પર પહોંચાડવામાં આવશે
ગાંધીનગર: ગાંધીનગર જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી માટે સોમવારે મતદાન થવા જઈ રહ્યું છે, આવી સ્થિતિમાં ઈવીએમને મતદાન મથકો સુધી લઈ જવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા 155 રૂટ નક્કી કરવામાં આવ્યા છે. જેના માટે ચૂંટણી તંત્ર દરેક રૂટ પર જીપીએસથી સજ્જ એક જ એસટી બસનો ઉપયોગ કરશે, આ ઉપરાંત કંટ્રોલરૂમમાંથી પણ સતત મોનીટરીંગ કરવામાં આવશે. પોલીસના સઘન બંદોબસ્ત વચ્ચે સવારે આઠ વાગ્યાથી જિલ્લાના પાંચ કેન્દ્રો પરથી ડિસ્પેચિંગની કામગીરી શરૂ કરવામાં આવશે.
ગાંધીનગર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. હવે સોમવારે મતદાન થવાનું છે ત્યારે મતદાનની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જિલ્લાના 1353 મતદાન મથકો પર મતદાન થવાનું છે ત્યારે આ માટે પોલીસ સ્ટાફ પણ તૈનાત કરવામાં આવ્યો છે. તેથી જ જિલ્લા ચૂંટણી તંત્રએ ડિસ્પેચ સેન્ટર નક્કી કર્યા બાદ મતદાન કર્મચારીઓ અને ઈવીએમને મતદાન મથક સુધી લઈ જવા માટે 155 જેટલા રૂટ નક્કી કર્યા છે. આવતીકાલે દહેગામ માટે 26 રૂટ, ગાંધીનગર દક્ષિણ માટે 39, ગાંધીનગર ઉત્તર માટે 31, માણસા માટે 29 અને કલોલ માટે 30 મળી કુલ 155 રૂટનો ઉપયોગ ઈવીએમને મતદાન મથક સુધી લઈ જવા માટે કરવામાં આવશે. જેમાં ચૂંટણી તંત્ર 155 એસ.ટી. બસોનો ઉપયોગ કરશે. આ તમામ બસો જીપીએસથી સજ્જ હશે તેમજ કંટ્રોલરૂમમાંથી તેનું સતત મોનિટરિંગ કરવામાં આવશે.ગાંધીનગરમાં ગાંધીનગર ઉત્તર અને દક્ષિણ ડિસ્પેચ સેન્ટર અને તેમના તાલુકા મથકે અન્ય ત્રણ વિધાનસભા બેઠકો માટે વ્યવસ્થા કરવામાં આવી છે. , ચૂંટણીને લગતી વિવિધ કામગીરી કરવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા 105 જેટલા નાના-મોટા વાહનો તૈયાર કરવામાં આવ્યા છે. ત્યારે આવતીકાલે સાંજ સુધીમાં જિલ્લાના આ તમામ મતદાન મથકો પર પોલીસ બંદોબસ્ત વચ્ચે ઈવીએમ પહોંચી જશે અને પ્રિસાઇડીંગ ઓફિસરોએ રાતભર મતદાન મથકોમાં રોકાવું પડશે.