જગદીશ ઠાકોરે મતદાન કરીને ચૂંટણી પંચ પર લગાવ્યા ગંભીર આરોપ
ઉત્તર અને મધ્ય ગુજરાતની બેઠકો પર આજે મતદાન થયું હતું ત્યારે ગુજરાત કોંગ્રેસનાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે પણ અમદાવાદમાં મતદાન કર્યું છે. મતદાન બાદ તેમણે વડાપ્રધાન અને ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે જણાવ્યુ કે, ‘આ કેવું ચૂંટણી પંચ છે આ કેવી વ્યવસ્થા છે. જેની પર સવાલો થાય છે. જ્યાં ભાજપ ચૂંટણી પંચ અને તંત્ર ભાજપના ખોળે બેઠું છે.’
પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે અમદાવાદનાં નરોડા ખાતે મતદાન કર્યું છે. જે બાદ મીડિયા સાથેની વાતચીતમાં જગદીશ ઠાકોર ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે જણાવ્યુ કે, મતદાન થવું જ જાઇએ. મતદારોનો હક છે તે શાસકોને પાઠ ભણાવીને મનગમતી પાર્ટીને પસંદ કરી શકે છે. આ સાથે તેમણે અનેક પ્રહાર કરતા જણાવ્યુ કે, મતદાર સારું થઇ રહ્યું છે પરંતુ તમામ જગ્યાએ મતદાનની સ્પીડ સરખી હોવી જાઇએ. કોંગ્રેસનાં બૂથો છે ત્યાં મશીન ધીમા ચાલે, મતદાનની સ્પીડ ધીમી ચાલે. બીજાના બૂથો છે ત્યાં મશીન બરાબર ચાલે. આ કેવું ચૂંટણી પંચ છે આ કેવી વ્યવસ્થા છે. જેની પર સવાલો થાય છે. જ્યાં ચૂંટણી પંચ અને તંત્ર ભાજપના ખોળે બેઠું છે.
આ ઉપરાંત તેમણે ગંભીર આક્ષેપો લગાવતા જણાવ્યુ કે, પોલીસનાં એસપીનાં અધિકારીઓ ફોન બંધ કરીને બેસી જાય છે. અત્યારે અમારા મતદાન બૂથો છે તેમાં મતદાન ધીમું ચાલે. અમે ફરિયાદો કરીએ તો એનો કોઇ નિકાલ નથી. ક્યાંય કાયદો, ચૂંટણી પંચ છે કે નહીં? આ સવાલો ઉભા થાય છે. આ સાથે તેમણે એ પણ જણાવ્યું કે, પીએમ મોદીએ જે રોડ શો કર્યો છે તે અંગે ફરિયાદ પણ કરશે.