આંદોલનો અને રાજ્ય સરકાર સામે વિરોધ છતાં પણ ૧૫૬ બેઠકો આવે તે આશ્ચર્ય ઉપજાવે છે : શૈલેષ પરમાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે રેકોર્ડબ્રેક ૧૫૬ બેઠકો જીતીને સપાટો બોલાવ્યો છે ત્યારે કોગ્રેસે ૧૯૯૦ પછી સૌથી નબળો દેખાવ કરીને માત્ર ૧૭ બેઠકો મેળવી છે. અણધાર્યા પરિણામો બાદ કોંગ્રેસની છાવણીમાં સોપો પડી ગયો છે ત્યારે કોંગ્રેસના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે હારનું ઠીકરું ઇવીએમ ઉપર ફોડ્યું હતું. તેમણે કહ્યું કે, જાદુગરે દિલ્હી, હિમાચલ અને ગુજરાતમાં અલગ અલગ જાદૂગરી કરી છે. આંદોલનો અને રાજ્ય સરકાર સામે તમામ વર્ગનો વિરોધ છતાં પણ ૧૫૬ સીટ જીતી લાવે તે આશ્ચર્ય ઉપજાવે છે. ઇવીએમ ઉપર શંકા છે પણ તે સાબિત થઈ શક્યું નથી.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના અણધાર્યા પરિણામોથી કોંગ્રેસમાં ગમગીની જાવા મળી રહી છે અને તેના નેતાઓ હજુ પણ આઘાતમાંથી બહાર આવી શક્યા નથી. કોંગ્રેસના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે હારનું ઠીકરું ઇવીએમ ઉપર ફોડતા કહ્યું કે, જાદુગરે દિલ્હી, હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં અલગ અલગ જાદૂગરી કરી છે. રાજ્યમાં પ્રચંડ આંદોલનો હોવા છતાં પણ આવા પરિણામો આવે તે ગળે ઉતરતા નથી. જે પ્રકારના પરિણામો આવ્યા છે તે મારા ગળે પણ ઉતરતા નથી તેવું પરમારે કહ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, ઇવીએમ ઉપર શંકા છે પણ સાબિત થઈ શક્યું નથી. રાજ્યના લોકોને મોંઘવારી નડતી નથી, બેરોજગારી નડતી નથી, બેકારી નડતી નથી, ખેડૂતોને પોતાના પ્રશ્નો નડતા નથી, કર્મચારીઓને પડતર પ્રશ્નો નડતા નથી તેવા સવાલો પણ કર્યા હતા અને કહ્યું કે, ઇવીએમ ઉપર શંકા છે જ પણ તે સાબિત થઇ શક્યું નથી.