ગાંધીનગર બાર એસોસીએશનનો આજે રસાકસીભર્યોં ચૂંટણી જંગ
પ્રમુખ પદ માટે ત્રીપંખીયા મુકાબલામાં રાજેન્દ્રસિંહ રાઓલનું પલડું ભારે
ગાંધીનગર, તા. ૧૫
ગાંધીનગર બાર એસોસીએશન દ્વારા ૧૬ ડિસેમ્બરના રોજ રસાકસીભર્યોં ચૂંટણી જંગ યોજાશે. આ ચૂંટણી જંગ માટે મહિલા પ્રતિનિધિ સહિત ચાર જેટલા હોદ્દાઓ પર ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. જ્યારે પ્રમુખ સહિતનાં હોદ્દાઓ માટે ઘણાં લાંબા સમય બાદ યોજાઈ રહેલી આ ચૂંટણીમાં ભારે તીવ્ર સ્પર્ધા દેખાઈ રહી છે.
ગાંધીનગરમાં કોરોના કાળ પછી ગયા વર્ષે ગાંધીનગર બાર એસો.નાં હોદેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. આ પછી ઘણા લાંબા સમય બાદ ગાંધીનગર બાર એસોસીએશનની ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં પ્રમુખ પદ માટે મુખ્ય પાંચ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જેમાં એક ઉમેદવારે ટેકો જાહેર કરતાં રાજેન્દ્રસિંહ રાઓલ , કૌશિક શ્રીમાળી અને જીતેન્દ્ર પટેલ વચ્ચે જોરદાર ટક્કર દેખાઈ રહી છે.
આ ઉપરાંત ઉપપ્રમુખ પદ, સેક્રેટરી, જોઇન્ટ સેક્રેટરી, ખજાનચી જેવા પદ માટે પણ ભારે રસાકસીભર્યોં મુકાબલો થશે. આ ચૂંટણી માટે ૧૬ ડિસેમ્બરને શુક્રવારે સવારે ૧૦ થી ૫ વાગ્યા સુધી મતદાન યોજાશે. જેમાં ગાંધીનગર બારમાં નોંધાયેલા ૬૪૭ જેટલા મતદારો પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરશે. આ મતદાન બાદ મત ગણતરી હાથ ધરવામાં આવશે.