બે દિવસીય નેશનલ કોન્ફરન્સ ફોર સીએ સ્ટુડન્ટસ 2022ને ખુલ્લી મૂકતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
દેશભરમાંથી 2500થી પણ વધુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની કોન્ફરન્સમાં હાજરી
અમદાવાદ તા. 23 ડિસેમ્બર 2022: ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ)ની અમદાવાદ બ્રાન્ચ દ્વારા બે દિવસીય નેશનલ કોન્ફરન્સ ફોર સીએ સ્ટુડન્ટસ ૨૦૨૨નો ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શહેરમાં આવેલા જીએમડીસી કન્વેનશન સેન્ટર ખાતે પ્રારંભ કરાવ્યો હતો. આ બે દિવસીય નેશનલ કોન્ફરન્સનું તીવ્ર કુશાગ્રતા ધરાવતું વલણની થીમ પર આયોજન કરવામાં આવ્યું છે તેમ આઈસીએઆઈની અમદાવાદ બ્રાન્ચનાં ચેરપર્સન સીએ બિશન શાહે જણાવ્યું હતું. આ કોન્ફરન્સમાં સમગ્ર ગુજરાત અને આસપાસના રાજ્યોના 2500થી પણ વધુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્રનાં વિકાસમાં ટેક્ષેશન તેનું પાયાનું સાધન છે અને ભારત દેશ આઝાદીનાં અમૃતકાળમાં પ્રવેશ્યો છે ત્યારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ રાષ્ટ્રનિર્માણમાં અગત્યનો ભાગ ભજવશે તેમ ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે નેશનલ કોન્ફરન્સ ફોર સીએ સ્ટુડન્ટસ 2022ને ખુલ્લી મૂકતાં જણાવ્યું હતું. ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયાની અમદાવાદ બ્રાન્ચ દ્વારા આજથી બે દિવસીય નેશનલ કોન્ફરન્સ ફોર સીએ સ્ટુડન્ટસ 2022નું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સની થીમ એક્વાયરીંગ એક્યુટ, એક્યુમેન અને એટીટ્યુડ છે.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનપદેથી બોલતા રાજ્યનાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, વિકાસની રાજનીતિનાં કારણે ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. તેમાં આપ સૌ પણ સહભાગી છો. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતમાં રોકાણ વધી રહ્યું છે અને ગુજરાત પર રોકાણ માટે પ્રથમ પસંદગી ઉતારવામાં આવે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ટેક્ષેશન વિકસિત રાષ્ટ્રનિર્માણનો મૂળભૂત આધારસ્તંભ છે, અને આપ સૌ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ સુદ્રઢ રાષ્ટ્રનિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવશો તેવો મને વિશ્વાસ છે. ભારત દેશ જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે અને અમૃતકાળમાં પ્રવેશી રહયો છે ત્યારે આપની તીવ્ર કુશાગ્રતા અને યોગ્ય વલણ ભારતને ૫ ટ્રીલીયન ડોલરની ઈકોનોમી બનાવવા મહત્વનો ભાગ જરૂરથી ભજવશે.