ગુજરાત

આનંદાલયે શરૂ કરેલા મિશન – મોજિલા પરિવારની અનોખી કાર્યશિબિર રાજપુર ખાતે યોજાઈ.

પરિવારને કેન્દ્રમાં રાખીને આનંદાલય અનેક સામાજિક સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે કટિબદ્ધ છે અને તેથી જ આનંદાલયે મિશન ‘મોજિલો પરિવાર’ અભિયાન શરૂ કર્યું છે. આપણી શાશ્વત પરિવાર વ્યવસ્થા જે ખળભળી રહી છે તેનાં કારણે અનેક સમસ્યાઓ રોજબરોજ ઘટતી નજરે પડે છે. ડિપ્રેશન, શારીરિક અને માનસિક રોગો, હત્યા, આત્મહત્યા, કજિયા, બનાવટી સંબંધો જેવી અનેક સમસ્યાઓનો ઉકેલ આનંદાલય મોજિલા પરિવારમાં જોઈ રહી છે.

આનંદાલય એવા સમર્પિત સાધનોનું વૃંદ છે જે “ચારિત્ર્ય નિર્માણ” દ્વારા સમાજમાં પરિવર્તન લાવવા ઈચ્છે છે. કેમકે વ્યક્તિગત કે સામાજિક દેખાતી તમામ સમસ્યાઓનાં સમાધાનો ‘ચારિત્ર્ય નિર્માણ’ દ્વારા જ સંભવ છે.
આનંદાલય પોતાની ‘સ્થાપનાદિન’ તારીખ 01 જાન્યુઆરી 2023થી ‘મિશન : મોજિલા પરિવાર’નો શુભારંભ કરશે. આ મિશન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં વાલીઓ માટે તૈયાર કરાયેલા પ્રશિક્ષણને વિધિવત શરૂ કરવામાં આવશે. પ્રશિક્ષિત વાલીઓ ‘પરિવાર ગોષ્ઠી’ ચલાવે અને તેને કારણે પરિવારના સદસ્યોનું વ્યક્તિત્વ નિર્માણ થાય તે અપેક્ષા છે. કાર્યશાળા સંચાલકોની ત્રિદિવસીય કાર્યશાળા 24 થી 26 ડિસેમ્બર 2022ના રોજ ગાંધીનગર તાલુકાના રાજપુર ગામે સંપન્ન થઈ.
કડકડતી ઠંડીમાં અને એ પણ સાબરમતીના કાંઠે – તંબુમાં આનંદાલયના સાધકો સ્વેચ્છાએ પોતાના ખર્ચે વિચાર મંથન કરવા એકત્ર થયા હતા. આવેલા પચ્ચીસ સાધકો કોઈપણ ભાડાભથ્થા વગર રજા મૂકીને, પદ, પ્રતિષ્ઠા, પ્રમાણપત્ર, પુરસ્કાર કે કોઈપણ પ્રલોભનો વગર શિક્ષકો, અધ્યાપકો, આચાર્યો, ટ્રસ્ટીઓ અને સામાજિકો ઉપસ્થિત રહ્યા હતા. જે ફક્ત ચારિત્ર્ય નિર્માણ દ્વારા ગુણાત્મક પરિવર્તન લાવવા ઈચ્છે છે તેવા સાધકોની આ કાર્યશિબિર હતી. આ કાર્યક્રમમાં તેવા કાર્યકર્તાઓને જ પ્રવેશ આપવામાં આવેલો જે પોતાના કાર્યક્ષેત્રમાં વાલીઓ માટે સાપ્તાહિક મિલન કેન્દ્ર શરૂ કરવા ઈચ્છે છે.
આ કાર્યશિબિરમાં 23 ડિસેમ્બર શુક્રવારે સાંજે જ સહભાગીઓ આવી પહોંચ્યા હતા. પૂર્ણ ત્રણ દિવસ સવારના 06:00 વાગ્યાથી લઈને રાત્રીના 10:00 વાગ્યા સુધી એવી પ્રક્રિયાઓ કરાવવામાં આવી કે સહભાગી પોતાનું સ્વ મૂલ્યાંકન કરીને સ્વ-વિકાસથી અન્યોને દૃષ્ટિ-પૂર્ણ જીવન શીખવી શકે. કાર્યશાળાની તમામ પ્રવૃત્તિઓ સૈદ્ધાંતિક સમજ સાથેની હતી. જેમાં ચર્ચા વિચારણા કરીને વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તવો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો હતો. પરિણામ સ્વરૂપે “પરિવાર મોજિલો” બને અને ચારિત્ર્ય સંપન્ન સામાજિકનું નિર્માણ થાય તે માટે સહભાગીઓ પોતાનાથી શરૂ કરીને પોતાના ક્ષેત્રમાં વાલીઓની સાપ્તાહિક કાર્યશાળાઓ ચલાવવાના સંકલ્પ સાથે છૂટા પડ્યા હતા.
આ કાર્યશિબિરમાં પાર્થેશભાઈ પંડ્યા અને બિન્દુબેન પંડ્યાનું વિશેષ માર્ગદર્શન પ્રાપ્ત થયું. આ કાર્યશિબિરમાં આનંદાલયના સંયોજક ડૉ. અતુલભાઈ ઉનાગર, મિશન મોજિલા પરિવારના સંયોજક ડૉ. ધવલભાઈ સોલંકી. રાજપુર કાર્યશાળાના સંયોજક શ્રી પ્રતિકસિંહ પરમાર, કાર્યશાળાના મહાપ્રબંધક શ્રીમતી ભાવનાબેન પટેલ અને વર્ગાધિકારી ડૉ. ગુલાબભાઈ પટેલ વગેરે મહાનુભાવોનો સહભાગીઓને વિશેષ લાભ પ્રાપ્ત થયો હતો. આ કાર્યશાળાની તમામ સગવડો રાજપુર ગામ તરફથી પ્રાપ્ત થઈ હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x