ગાંધીનગરના રણાસણ ગામના ખેડૂતની કરોડો વેચી દેવાનું કૌભાંડ, ૬ સામે લેન્ડગ્રેબીંગનો ગુનો દાખલ
ગાંધીનગર :
જમીનોના ભાવ વધી રહ્યા છે ત્યારે ખોટી પાવર ઓફ એટર્ની બનાવીને કરોડોની જમીન બારોબાર વેચી દેવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. જેમાં રણાસણના ખેડૂતની કરોડો રૃપિયાની જમીન પણ આવી જ રીતે વેચી નાંખવામાં આવી હતી જે બાબતે કલેક્ટરની સુચનાને પગલે ડભોડા પોલીસ સ્ટેશનમાં ખોટી રીતે જમીન વેચી દેનાર ૬ શખ્સો સામે લેન્ડગ્રેબીંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ગાંધીનગરના રણાસણ ગામે રહેતા ૭૦ વર્ષિય રામાજી શંકાજી ઠાકોર હસ્તક ગામની સીમમાં કરોડો રૂપિયાની ખેતીની જમીન છે. તેમને જમીનનો ખોટો દસ્તાવેજ બનાવી વેચી દેવામાં આવી હોવાની વાત મળી હતી જેથી ખેડૂતે જમીનના દસ્તાવેજની તપાસ કરાવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. ખેડા જિલ્લાના ચાંદણા ગામે રહેતો નાસીરખાન મુસાવરખાન પઠાન દ્વારા આ જમીન વેચાણે રાખી હોવાનું બતાવ્યું છે પરંતુ રામાજીએ કોઇને આ જમીન વેચી નથી. આ બાબતે રજીસ્ટ્રાર કચેરી અને કલેક્ટરમાં ફરિયાદ કરતા તેમને જાણવા મવ્યું હતું કે, ખેડાના ઉમિયાપુરાના પંકજ રસિકભાઇ પટેલના નામનો પાવર ઓફ એટર્ની બનાવવામાં આવ્યું છે અને માણસાના નોટરી દ્વારા આ ખોટા પાવર ઓફ એટર્નીને નોટરાઇઝ્ડ કરવામાં આવ્યું છે અને આ ખોટા એટર્નીને પ્રમાણે દસ્તાવેજ કરી દેવામાં આવ્યો છે. જેમાં સાક્ષી તરીકે ચેખલાના સંજય રાઠોડ અને રતનપુરના રામજી રાઠોડને બતાવવામાં આવ્યા છે.
રામાજી ઠાકોરે પોતાની જમીન વેચી જ નથી અને કોઇને પાવર ઓફ એટર્ની પણ કરી આપી નથી ત્યારે તેમની જમીન કઇ રીતે વેચાઇ ગઇ તે બાબતે કલેક્ટરમાં રજુઆત કરવામાં આવી હતી. જેમાં તપાસને અંતે ખોટા પુરાવા ઉભા કરીને આ જમીન વેચી નાંખવામાં આવી હોવાનું સામે આવતા કલેક્ટર કચેરી મારફતે લેન્ડગ્રેબીંગ કરવા માટે સુચન કરવામાં આવ્યું હતું અને રામાજીની ફરિયાદને આધારે ડબોડા પોલીસ મથકમાં વેચાણ રાખનાર અને ખોટી પાવર ઓફ એટર્ની કરનાર સહિત નોટરી અને સાક્ષી સહિત કુલ છ સામે ગુનો દાખલકરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.