અલુવા ગામથી બસની સુવિધા ન હોવાથી 300 વિદ્યાર્થીને હાલાકી
અલુવા ગામમાંથી ધોરણ-9થી 12ના અંદાજે 300 જેટલા વિદ્યાર્થીઓ ગ્રામભારતીમાં અભ્યાસ કરવા જાય છે. પરંતુ ગામમાં બસની સુવિધા નહી હોવાથી વિદ્યાર્થીઓને ચાલતા ગ્રામભારતી સ્કુલમાં જવાની ફરજ પડી છે. ત્યારે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને બસ સેવા શરૂ કરવાની અલુવા ગ્રામ પંચાયતે માણસા ડેપો મેનેજરને લેખિતમાં રજૂઆત કરી છે.
એસ ટી નિગમ આવક વધારવા માટે જે રૂટ ઉપર મુસાફરો ખાનગી વાહનોનો ઉપયોગ કરી રહ્યા હોય તેવા નવા સ્થળોએ બસના રૂટ શરૂ કરવાની સુચના આપવામાં આવે છે. જ્યારે બીજી તરફ ગ્રામજનો દ્વારા માંગણી કરવા છતાં ડેપો મેનેજરો દ્વારા મુસાફરો નહી હોવાનો ખોટો રિપોર્ટ કરીને બસો શરૂ કરવામાં આવતી નથી.
ત્યારે જિલ્લાના માણસા તાલુકાની અનોડિયા ગામ બાદ હવે અલુવા ગામમાં પણ બસની સુવિધા નહી હોવાથી ગામના ધોરણ-9થી 12ના અંદાજે 300 જેટલા વિદ્યાર્થીઓ ગ્રામભારતી સંસ્થાની શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ એસ ટી બસ નહી હોવાથી વિદ્યાર્થીઓને શાળામાં જવા માટે પગપાળા ચાલતા જવાની ફરજ પડી રહી છે. દરરોજ વિદ્યાર્થીઓ 6 કિમી ચાલીને અથવા ખાનગી વાહનોમાં શાળામાં જઇ રહ્યા છે.
ત્યારે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને માણસા ડેપોમાંંથી બસની સુવિધા શરૂ કરવાની માંગણી અલુવા ગ્રામ પંચાયત દ્વારા માણસા ડેપો મેનેજરને લેખિત રજુઆત કરી છે. જેમાં માણસા ડેપોથી સવારે 9-15 કલાકે નીકળી બસ માણેકપુર, ગ્રામભારતી, અલુવા તેજ રીતે અલુવાથી પરત અમરાપુર થઇને પરત માણસા ડેપોમાં જાય, તેજ રીતે સાંજે 5 કલાકે માણસા ડેપોથી નિકળી બસ માણેકપુર ગામથી ગ્રામભારતીથી અમરાપુરથી અલુવા થઇને માણસા ડેપોમાં પરત જાય તેવો બસ રૂટ શરૂ કરવાની અલુવા ગ્રામ પંચાયતે ડેપો મેનેજરને લેખિતમાં માગણી કરી છે.