ભાજપના નેતાએ RBIના ગવર્નર પર લગાવ્યો ભ્રષ્ટાચારના આરોપ, કહ્યું- તેમની નિમણૂંક ચોંકાવનારી.
નવી દિલ્હી:
ઉર્જિત પટેલના રાજીનામા બાદ શક્તિકાંત દાસને રિઝર્વ બેંકના નવા ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં. તેમની નિયુક્તિ બાદ અનેક વિવાદો ઉઠી રહ્યાં છે. આ બધા વચ્ચે ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ શશિકાન્ત દાસની નિયુક્તિને લઈને ગંભીર સવાલ ઉઠાવ્યાં છે. સ્વામીએ આરબીઆઈ ગવર્નર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા આ નિયુક્તિને આશ્ચર્યજનક ગણાવી છે. સહયોગી વેબસાઈટ ઝી બિઝનેસના રિપોર્ટ મુજબ સ્વામીએ કહ્યું કે તેઓ ખુબ ભ્રષ્ટ વ્યક્તિ છે.
જો કે, તેમણે ભ્રષ્ટાચારના મામલાઓ પર વધુ જાણકારી ન આપી. તેમણે કહ્યું કે ભ્રષ્ટાચારના પગલે દાસને નાણા મંત્રાલયમાંથી હટાવવામાં આવ્યાં હતાં. તેમણે કહ્યું કે મને એ બાબતે ખુબ નવાઈ છે કે જે વ્યક્તિ ભ્રષ્ટાચારના આરોપમાં નાણા મંત્રાલયમાંથી કાઢવામાં આવ્યા હતાં તેમની નિયુક્તિ દેશના રિઝર્વ બેંકના ગવર્નર તરીકે કેવી રીતે કરાઈ?
શક્તિકાંત દાસથી સારા વિકલ્પ હાજર છે- સ્વામી
સ્વામીને જ્યારે પૂછવામાં આવ્યું કે તેમના મુજબ દેશની સર્વોચ્ચ બેંક આરબીઆઈના ગવર્નર કોણે હોવું જોઈએ તો તેમણે કહ્યું કે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ બેંગ્લુરુના પ્રોફેસર આર વિદ્યાનાથ આ પદ માટે સારા ઉમેદવાર હતાં. તેમણે કહ્યું કે આર વિદ્યાનાથ આઈઆઈએમ બેંગ્લુરુમાં ફાઈનાન્સ સબ્જેક્ટના પ્રોફેસર રહ્યાં છે અને તેઓ સંઘ સાથે પણ જોડાયેલા છે. આવામાં તેઓ એક સારો વિકલ્પ હતાં.
સ્વામીએ કહ્યું કે પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના નેતાઓ પી ચિદમ્બરમના નીકટના છે. તેમણે કહ્યું કે જ્યારે તેઓ ચેન્નાઈમાં હતાં ત્યારે તેમના પર ભ્રષ્ટાચારના અનેક આરોપ લાગ્યાં હતાં. તેમણે જણાવ્યું કે નાણા મંત્રાલયમાં હતાં ત્યારે ચિદમ્બરમ પર ચાલી રહેલી તપાસના કેસોને પ્રભાવિત કરતા હતાં અને આથી તેમને ત્યાંથી હટાવવામાં આવ્યાં.
અત્રે જણાવવાનું કે સ્વામીએ વડાપ્રધાન મોદીને પત્ર લખીને આ નિયુક્તિ પર પોતાની આપત્તિ નોંધાવી છે. દાસે બીએમાં ડિગ્રી મેળવી છે અને ઈતિહાસમાં એમએની ડિગ્રી મેળવી છે. તેઓ 1980ની બેચના આઈએએસ અધિકારી છે. 2013થી 2014 સુધી તેઓ ફર્ટિલાઈઝર સેક્રિટરી ઓફ ઈન્ડિયા, 2014થી 2015 સુધી ભારતના મહેસૂલ સચિવ અને વર્ષ 2015થી 2017 સુધી ભારતના આર્થિક મામલાઓના સચિવ સહિત અનેક મહત્વપૂર્ણ પદો પર પોતાની સેવા આપી ચૂક્યા છે.