મણિપુરઃ ફેશન શો શરુ થતા પહેલા ગ્રેનેડ ધમાકો, સની લિયોન સામેલ થવાની હતી
મણિપુરના ઈમ્ફાલ પૂર્વ જિલ્લામાં આજે એટલે શનિવારે યોજાનાર એક ફેશન શોના કાર્યક્રમ પહેલા એક ધમાકો થયો. જા કે, હજુ સુધી ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. તમને જણાવી દઈએ કે આ શોમાં સની લિયોન પણ સામેલ થવાની હતી. સુરક્ષા એજન્સીઓના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરુ કરી. પ્રારંભિક તપાસમાં ચાઈનીઝ ગ્રેનેડના ઉપયોગની વાત સામે આવી છે.
પોલીસ અધિકારીએ જણાવ્યુ કે ફેશન શો રવિવારે હપ્તા કાંગજીબંગ ખાતે યોજાવાનો હતો. જેમાં અભિનેત્રી સની લિયોન સહિત ઘણા લોકો હાજરી આપવાના હતા પરંતુ શનિવારે સવારે સ્થળની નજીક ગ્રેનેડ વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી પરંતુ ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ છે. હાલમાં Âસ્થતિ નિયંત્રણમાં છે. તપાસ ટીમને ઘટનાસ્થળેથી એક ગ્રેનેડના અવશેષો મળ્યા છે. તપાસમાં જાણવા મળ્યુ કે તે ચાઈનીઝ ગ્રેનેડ હતો. હજુ સુધી કોઈ સંગઠને આ ઘટનાની જવાબદારી લીધી નથી. આ ઉપરાંત આયોજકો તરફથી કોઈ નિવેદન બહાર આવ્યુ નથી. પોલીસે આ વિસ્તારમાં સુરક્ષા વધારી દીધી છે.
ઉલ્લેખનીય છે કે ગણતંત્ર દિવસના એક દિવસ પહેલા એટલે કે ૨૫ જાન્યુઆરીએ મણિપુરના ઉખરુલ જિલ્લામાં બ્લાસ્ટ થયો હતો. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ ગાંધી સર્કલમાં આઈઈડી દ્વારા બ્લાસ્ટ થયો હતો. જેના કારણે અનેક વાહનોને નુકસાન થયુ હતુ. વિસ્ફોટ એટલો જબરદસ્ત હતો કે તેનો અવાજ ઘણા કિલોમીટર સુધી સંભળાયો.