ભારતીય તટ રક્ષક દળ એટલે સમુદ્રના અજેય રક્ષકો
તા.૩૦, જાન્યુઆરી
ભારત ત્રણ બાજુએથી સમુદ્રથી ઘેરાયેલો દેશ છે. આપણો દરિયાકાંઠો માત્ર વેપાર માટે જ નહીં, પણ રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ પણ અત્યંત સંવેદનશીલ છે. આ વિશાળ દરિયાઈ સીમાઓ પર અવિરત નજર રાખવાનું અને તેની સુરક્ષા કરવાનું ગૌરવવંતું કાર્ય ‘ભારતીય તટ રક્ષક દળ’ કરે છે.ત્યારે તા.૦૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ ભારતીય તટ રક્ષક દળના ૫૦માં સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે જાણીએ આપણા જાંબાજ ભારતીય તટ રક્ષક દળની કેટલીક ખાસ વાતો.
સ્થાપના અને ઈતિહાસ
ભારતીય તટ રક્ષક દળની સ્થાપનાની જરૂરિયાત ૧૯૭૦ના દાયકામાં વર્તાઈ હતી, જ્યારે દરિયાઈ માર્ગે થતી તસ્કરી (Smuggling) રોકવા અને માછીમારોની સુરક્ષા માટે એક સમર્પિત દળની માંગ ઉઠી.પરિણામે તા.૧ ફેબ્રુઆરી, ૧૯૭૭ના રોજ આંતરિક ધોરણે આ દળની સ્થાપના કરવામાં આવી.
૧૮ ઓગસ્ટ, ૧૯૭૮માં સંસદમાં ‘કોસ્ટ ગાર્ડ એક્ટ’ પસાર કરી તેને વિધિવત રીતે સશસ્ત્ર દળ તરીકે જાહેર કરવામાં આવ્યું.
તટ રક્ષક દળનું આદર્શ વાક્ય “વયમ્ રક્ષામ:”
ભારતીય તટ રક્ષક દળનું સૂત્ર સંસ્કૃતમાં “વયમ્ રક્ષામ:” છે, જેનો અર્થ થાય છે, “અમે રક્ષણ કરીએ છીએ”. આ દળ માત્ર યુદ્ધના સમયે જ નહીં, પરંતુ શાંતિના સમયમાં પણ દરિયાઈ સીમાઓનું રક્ષણ કરે છે.
મુખ્ય જવાબદારીઓ
તટ રક્ષક દળ બહુઆયામી ભૂમિકા ભજવે છે, જેમાં માછીમારોની સુરક્ષા પણ સામેલ છે.સમુદ્રમાં ફસાયેલા માછીમારોને બચાવવા અને તેમને તકનીકી સહાય પૂરી પાડવા માટે આ દળ પ્રતિબદ્ધ રીતે કાર્યરત છે.
પર્યાવરણ રક્ષણ માટે પણ અગ્રેસર
સમુદ્રમાં તેલના ગળતર (Oil Spill) જેવી દુર્ઘટનાઓ રોકી દરિયાઈ જીવસૃષ્ટિનું રક્ષણ કરવામાં પણ ભારતીય તટ રક્ષક દળની ભૂમિકા મહત્વની છે.
તસ્કરી પર રોક
ડ્રગ્સ, હથિયારો અને અન્ય ગેરકાયદેસર વસ્તુઓની દરિયાઈ માર્ગે થતી હેરાફેરી અટકાવવી એ આ દળની મહત્વની કામગીરી છે.
શોધ અને બચાવ
વાવાઝોડા કે અન્ય કુદરતી આપત્તિ સમયે સમુદ્રમાં ફસાયેલા જહાજો અને લોકો માટે દેવદૂત બનીને આ દળ લોકોના જીવન રક્ષક પણ બને છે. વિશ્વનું ચોથું સૌથી મોટું તટ રક્ષક દળ, આજે ભારતનું તટ રક્ષક દળ વિશ્વનું ચોથું સૌથી મોટું કોસ્ટ ગાર્ડ છે. આધુનિક જહાજો, આઈસીજી હેલિકોપ્ટર્સ અને ડોર્નિયર એરક્રાફ્ટ સાથે આ દળ ૨૪ કલાક સજ્જ રહે છે. ખાસ કરીને ગુજરાતનો દરિયાકાંઠો પાકિસ્તાન સાથે જોડાયેલો હોવાથી અહીં ‘નોર્થ વેસ્ટ’ રિજનનું મુખ્યાલય ગાંધીનગર ખાતે અને મહત્વના મથકો પોરબંદર, ઓખા અને જખૌમાં કાર્યરત છે. જ્યારે આપણે શાંતિથી ઊંઘીએ છીએ, ત્યારે આ વીર જવાનો ભયાનક લહેરો અને તોફાની પવનો વચ્ચે દરિયાની વચ્ચે ઉભા રહીને દેશની રક્ષા કરે છે. ભારતીય તટ રક્ષક દળના તમામ જવાનોની બહાદુરી અને સમર્પણને આજે આખો દેશ સલામ કરે છે.

