ધૂળેટીના પર્વમાં પિચકારીની ખરીદીમાં રપથી ૩૦ ટકા ભાવ વધારો નોંધાયો
અબાલ-વૃદ્ધોમાં લોકપ્રિય એવા ધૂળેટીના પર્વ આડે હવે એકાદ પખવાડિયાનો સમય માંડ બાકી રહ્યો છે, ત્યારે પૂર્વ અમદાવાદના વિવિધ વિસ્તારમાં છુટાછવાયા પિચકારીનું વેચાણ શરૂ થઈ ગયું છે. ધીમે ધીમે નાના-મોટા સ્ટોલ ખૂલવા માંડયા છે. કોરોનાના ગ્રહણ બાદ મોંઘવારીએ અજગરી ભરડો લીધો હોવાથી લોકોએ આ વખતે પિચકારીની ખરીદીમાં રપથી ૩૦ ટકા ભાવ વધારો આપવા તૈયાર રહેવું પડશે. અમદાવાદ શહેરની બજારોમાં વેચાતી મોટાભાગની પિચકારી ચાઈના અને દિલ્હીથી મગાવવામાં આવે છે. શહેરના સિઝનલ બજારોના વેપારીઓએ જથ્થાબંધ પિચકારીની ખરીદી શરૂ કરી દીધી છે.
ધૂળેટીના તહેવારની નાના બાળકોથી માંડીને વૃદ્ધો સુધીના સહુ કોઈ અનેરા ઉમંગ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરતા હોય છે. આગામી ૮ માર્ચના રોજ આવી રહેલા આ પર્વને લઈને શહેરમાં પિચકારીનું વેચાણ શરૂ થઈ ગયું છે. જુદા જુદા વિસ્તારોમાં નાની નાની દુકાનો ખૂલવા માંડી છે. દિલ્હી દરવાજા વિસ્તારના સિઝનલ બજારના વેપારી રાજુભાઈ જણાવે છે કે, સ્થાનિક વેપારીઓએ જથ્થાબંધ વેપારીઓ પાસેથી ખરીદી શરૂ કરી દીધી છે. કોરોનાની ત્રીજી લહેરના કારણે આ વખતે પણ ચાઈના અને દિલ્હીમાં ઉત્પાદકોએ ઓછો માલ બનાવ્યો છે. જથ્થાબંધ વેપારીઓ માલની અછત હોવાનું જણાવી રહ્યા છે. આ ઉપરાંત મોંઘવારી વધી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધ્યો છે. માટે પિચકારીના ભાવમાં રપથી ૩પ ટકા સુધીનો વધારો થયો છે. બજારમાં ર૦ રૂપિયાથી ૧ હજાર રૂપિયા સુધીની અવનવી પિચકારીઓ વેચાય છે. ગત વર્ષે બજારમાં પ૦ રૂપિયામાં વેચાતી પિચકારીના આ વખતે ૬પથી ૭૦ અને ર૦૦ રૂપિયાની પિચકારીના રપ૦ જેટલા ભાવ રહેશે.
ધૂળેટીના પર્વમાં અંતિમ દિવસોમાં મોટાભાગની ખરીદી લોકો કરતા હોય છે. કાલુપુર વિસ્તારના એક વેપારીના જણાવ્યા અનુસાર પિચકારીનો ઉપયોગ મોટાભાગે બાળકો જ કરતા હોય છે. હવે તહેવારોના દિવસોમાં લોકોમાં ફરવા જવાનું ચલણ વધ્યું છે. ઉપરાંત લોકો છૂટ્ટા કલરથી ધૂળેટી રમવાનું વધારે પસંદ કરવા લાગ્યા છે. માટે એક દસકા અગાઉ જેટલા પ્રમાણમાં પિચકારી વેચાતી હતી, એટલી પિચકારીઓ હાલ વેચાતી નથી. એકંદરે દિવસેને દિવસે પિચકારીનો ઉપયોગ ઘટી રહ્યો છે