બટાકાના ભાવ ઘટીને અડધા થતાં ખેડૂતોની કફોડી હાલત
ખેડૂતોને પડતા ઉપર પાટું પડયું હોય તેવી સ્થિતિ બટાકાના વાવેતરમાં જોવા મળી રહી છે. મોટા ઉપાડે વાવેતર કર્યા પછી હાલ બટાકા કાઢવાની કામગીરી શરૃ થઈ ચૂકી છે પણ તળિયે પહોંચેલા ભાવના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. જે બટાકાનો ગત વર્ષે ભાવ રૃા.૨૦૦ જેટલો હતો તેમાં ૫૦ ટકા ઘટાડો થઈને આજે રૃા.૧૦૦એ આવી પહોંચ્યો છે. ગાંધીનગર જિલ્લાનો દહેગામ તાલુકો બટાકાનો હબ ગણાય છે પણ ચાલુ વર્ષે ખેડૂતોને મોટું નુકસાન કરવાની નોબત આવી છે. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં પણ બટાકાનું વાવેતર કરીને બેઠેલા ખેડૂતો માટે મુશ્કેલી સર્જાઈ છે. ઉત્તર પ્રદેશ અને પંજાબમાં ઉત્પાદન વધવા સાથે ગુજરાતમાં પણ વાવેતર વધવા સાથે માંગ ઘટી છે તો સામે રોગચાળાના કારણે ઉત્પાદન પણ ઘટયું છે અને સ્ક્રેપ પડી જતાં બટાકાનું વાવેતર કરીને બેઠેલા સેંકડો ખેડૂતો હવે સરકાર સામે મીટ માંડીને બેઠા છે. સરકાર સબસિડી જાહેર કરે તેવી માગણી ખેડૂતો કરી રહ્યા છે.
ગાંધીનગર જિલ્લામાં દહેગામ તાલુકો બટાકાના હબ તરીકે જાણીતો છે તો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશ્ચિમ વિસ્તારમાં પણ સારું એવું બટાકાનું વાવેતર થાય છે. ચાલુ વર્ષે હાલ બટાકા કાઢવાની સિઝન ચાલી રહી છે પણ ગગડેલા ભાવના કારણે ખેડૂતોને આંખે પાણી આવી રહ્યા છે. એલઆર, પોખરાજ અને બાદશાહ જેવી બટાકાનું ખેડૂતો વાવેતર કરે છે અને તેમાં ચાલુ વર્ષે પોખરાજના ભાવ તળિયે પહોંચ્યા છે. બટાકામાં દાગના કારણે ક્વોલિટી સારી મળતી નથી અને જેના કારણે વેપારીઓ પણ ખરીદી કરવાનું ટાળી રહ્યા છે. ગાંધીનગર જિલ્લામાં સરેરાશ ૭૦ ટકા પોખરાજ અને ૩૦ ટકા અન્ય એલઆર અને બાદશાહ બટાકાનું વાવેતર કરવામાં આવે છે. વેફર બનાવતી કંપનીઓએ અગાઉ સોદા કર્યા હોવાથી એલઆર અને લોકરના ભાવ મળી રહ્યા છે. જેમાં એલઆરનો ભાવ રૃા.૨૩૦ તો લોકરનો ભાવ રૃા.૧૭૦ મળી રહ્યો છે. પોખરાજના સોદા થતા ન હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ક્વોલિટી સારી એવી ન મળતાં વેપારીઓ ખરીદી કરવાનું ટાળી રહ્યા છે. આ મામલે વેપારીઓએ કહ્યું કે, ઉત્તર પ્રદેશ અને પંજાબનો બટાકો આપણા કરતાં કવોલિટીમાં સારો હોય છે. ઉત્તર પ્રદેશમાં કેપેસિટી કરતાં વધારે બટાકાનું ઉત્પાદન થયું છે જેના કારણે ભાવમાં ફટકો પડી રહ્યો છે.