ગાંધીનગરમાં સ્વાઇન ફ્લૂના વધુ બે કેસ પણ સિવિલમાં H1N1 ટેસ્ટ થતાં નથી
ગાંધીનગર :
ગાંધીનગર શહેર અને જિલ્લામાં મળીને સ્વાઇન ફ્લૂના પોઝિટીવ કેસની સંખ્યા 30 પર પહોંચી ગઇ છે. પાટનગરમાં અને નાના ચિલોડા ગામે એમ બે કેસ મંગળવારે નવા મળી આવ્યા હતા. સ્વાઇન ફ્લૂનો રોગચાળો કહેર મચાવી રહ્યો છે. પરંતુ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કે જ્યાં મેડિકલ કોલેજ પણ કાર્યરત હોવા છતાં અહીં એચ1એન1 મતલબ કે સ્વાઇન ફ્લૂના ટેસ્ટની કરવાની સુવિધા નથી. આ મુદ્દે પૂછતા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. નિયતીબેન લાખાણીએ કહ્યું કે ટેસ્ટ માટે જરૂરી ટેકનીશિયન અને કીટ ઉપલબ્ધ થવાથી ટેસ્ટ કરવાનું ચાલુ કરી દેવાશે.
મહાપાલિકાના મેડિકલ ઓફિસર ડૉ. કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યા પ્રમાણે સેક્ટર 14માં રહેતા 28 વર્ષિય મહિલાનો સ્વાઇન ફ્લૂ રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જ્યારે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ એચ સોલંકીએ નાના ચિલોડા ગામના 56 વર્ષિય મહિલાનો સ્વાઇન ફ્લૂ રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે. બન્ને દર્દીઓને સારવાર માટે અનુક્રમે સિવિલ હોસ્પિટલ અને સુઘડના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવાની સાથે તેઓના નિવાસ વિસ્તારમાં સર્વેલન્સની કાર્યવાહી કરી છે. ગાંધીનગર શહેર અને જિલ્લાના દર્દીઓના સ્વાઇન ફ્લૂ ટેસ્ટ કરવા માટે લોહીના નમુના લઇને અમદાવાદ સિવિલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં મોકલાય છે. સિવિલ હોસ્પિટલમાં ટેસ્ટ માટેનું મશીન છે અને તે બગડ્યા પછી રિપેર પણ કરાવી લેવાયું છે. પરંતુ અહીં ટેસ્ટ માટે જરૂરી કીટ અપાઈ નથી અને ટેસ્ટ કરવા માટે ટકનીશિયન પણ ઉપલબ્ધ નહીં હોવાથી રિપોર્ટ તુરંત મેળવી શકાતા નથી.