પાટનગરમાં સફાઈમાં બેદરકારી બદલ ગ્રીન ગ્લોબ એજન્સીને રૂ.91લાખનો દંડ કરાયો
ગાંધીનગર :
રાજયના પાટનગર ગાંધીનગરમાં સફાઇની કામગીરીમાં બેદરકારી અને સફાઇ કામદારોની ઓછી હાજરી સહિતની બાબતો ધ્યાને લઇને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ગ્રીન ગ્લોબ નામની સફાઇ એજન્સીને રૂ.91 લાખનો દંડ ફટકારાયો છે. સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન જશવંત પટેલે કહ્યું કે એજન્સીના સફાઇ કર્મચારીઓની ગેરહાજરીનું સ્માર્ટ વોચ મારફતે મોનીટરીંગ કરવામાં આવે છે. 95 ટકા સુધી હાજરી હોય તો કોઇ પેનલ્ટી નથી પરંતુ તેનાથી ઓછી હાજરી હોય તો તબક્કાવાર પેનલ્ટીના ચાર્જીસ લગાવવામાં આવે છે. એજન્સીના પેકજ-1 અને પેકેજ–2 પ્રમાણે ડિસેમ્બરથી માર્ચ સુધીના સમયગાળામાં સફાઇ કર્મચારીઓની ગેરહાજરી તેમજ મનપાના કમિશનર તરફથી બેદરકારી બદલ સફાઇ એજન્સીને 91 લાખ રૂપિયાની પેનલ્ટી કરવામાં આવી હતી. સ્ટેન્ડીંગ કમિટી દ્વારા આ પેનલ્ટી વસૂલીને એજન્સીને બિલની રકમ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બીજીતરફ હાલમાં સફાઇ કામદારોને 143 સ્માર્ટ વોચ આપવાની બાકી છે. જેથી તેટલી સ્માર્ટ વોચ ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે. અગાઉ સફાઇ કામદારોને 26 હજાર રૂપિયાની સ્માર્ટ વોચ આપવામાં આવી હતી. આ વખતે લેટેસ્ટ ટેક્નોલોજી સાથેની 35 હજાર રૂપિયાની એક એવી 143 સ્માર્ટ વોચ 5 લાખ રૂપિયાના ખર્ચે ખરીદવા મ્યુનિસિપલ કમિશનરને મંજૂરી આપવામાં આવશે.