ગાંધીનગરગુજરાત

એક દેશ, એક ચૂંટણી: પાંચ વર્ષની સરમુખત્યારશાહી લાવવાનું કાવતરું: હેમંતકુમાર શાહ

મોદી સરકારે લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી સાથે જ થાય તેને માટે વિચારવા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અધ્યક્ષપદે એક સમિતિની રચના કરી છે. જો આ રીતે એક જ ચૂંટણી થાય તો તેના સંદર્ભમાં કઈ બાબતો મહત્ત્વની છે તે સમજવું જરૂરી છે:

(૧) અત્યારે લોકસભાની ચૂંટણી પાંચ વર્ષે અથવા પ્રધાનમંડળ લોકસભા વિખેરી નાખવા ભલામણ કરે ત્યારે આવે છે. પણ તેની સાથે વિધાનસભાઓની ચૂંટણી થતી નથી. 

(૨) લોકસભાની બે ચૂંટણી વચ્ચે મોટા ભાગનાં રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી આવે છે. તેને પરિણામે કેન્દ્રમાં જે પક્ષ કે જોડાણની સરકાર હોય છે તેને રાજ્યોમાં જીતવા માટે નાગરિકો પ્રત્યે વધુ જવાબદાર અથવા ઉત્તરદાયી બનવું પડે છે. ધારી લો કે, અત્યારે રાજ્યોની વિધાનસભાની ચૂંટણી આવતા ડિસેમ્બર સુધીમાં ન આવતી હોત તો રાંધણ ગેસના બાટલાના ભાવ મોદી સરકાર ઘટાડત ખરી? વિધાનસભાની ચૂંટણી લોકસભાની પાંચ વર્ષે થતી ચૂંટણી અગાઉ પણ આવે છે માટે જ કેન્દ્ર સરકાર નાગરિકોની ચિંતા કરે છે, નહિ તો પાંચ વર્ષે જ કરે, વચ્ચે ના કરે.

(૩) ઉપરાંત, પંચાયતો અને પાલિકાઓની પણ ચૂંટણી વિધાનસભાઓની બે ચૂંટણી વચ્ચે આવે છે. એટલે રાજ્યમાં જે પક્ષ કે પક્ષોની સરકાર હોય તેને નાગરિકો પ્રત્યે વધુ ઉત્તરદાયી બનવાની ફરજ પડે છે. 

(૪) લોકસભા દેશની સંસદનો ભાગ છે. તેની ચૂંટણીમાં માત્ર દેશના મુદ્દા જ મહત્ત્વના બને છે અને તેની જ ચર્ચાઓ થાય છે અને નાગરિકો પણ એ મુદ્દાને ધ્યાનમાં લઈને આ કે તે પક્ષને અને તેના ઉમેદવારને મત આપે છે. વિધાનસભાની ચૂંટણી વેળાએ રાજ્ય કક્ષાના મુદ્દા મહત્ત્વના બને છે. હવે જો બંનેની ચૂંટણી એકસાથે યોજાય તો એ બંને કક્ષાના મુદ્દાની ભેળસેળ થઈ જાય છે. નાગરિકો અલગ અલગ મુદ્દે વિચારે અને જુદી જુદી ચૂંટણીમાં મતદાન કરે તો એમાં ખોટું શું છે? 

(૫) વળી, જે રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીને વાર હોય છે તેમની સરકારો પણ લોકસભાની ચૂંટણી વેળાએ લોકોના કલ્યાણ માટે વધુ પગલાં લે છે. આમ, રાજ્ય સરકારો પણ ચૂંટણી લોકસભાની હોવા છતાં લોકો પ્રત્યે વધુ જવાબદાર બને છે. 

(૬) એક વાર લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે યોજાતી થઈ જાય તો પછી પંચાયતો અને પાલિકાઓની ચૂંટણી પણ એની સાથે જ યોજવાની હિલચાલ પણ શરૂ થાય. એટલે તમામ સ્થાનિક, રાજ્ય કક્ષાના અને રાષ્ટ્રીય કક્ષાના મુદ્દાઓની ભેળસેળ થઈ જાય. 

(૭) એ ન ભૂલવું જોઈએ કે લોકશાહીમાં ચૂંટણી એ લોકો પ્રત્યે સરકારોને જવાબદાર બનાવવા માટેનું સૌથી અગત્યનું સાધન છે. અને તેથી જ કદાચ બંધારણમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે થાય એવી કોઈ જોગવાઈ કરવામાં આવી જ નહોતી. નેહરુ, સરદાર, આંબેડકર, રાજેન્દ્રપ્રસાદ, ક. મા. મુન્શી વગેરે સહિતના બંધારણ સભાના સભ્યો વધારે ડાહ્યા હતા. 

વધુ ચૂંટણી ખર્ચની બોગસ દલીલ

એક વિચિત્ર દલીલ એવી કરવામાં આવે છે કે લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણી એકસાથે થાય તો ખર્ચ ઓછું થઈ જાય. જેઓ એમ વિચારે છે એમને ખર્ચની ચિંતા છે, લોકશાહીની નહિ. 

એક અંદાજ એમ કહે છે કે 2019માં લોકસભાની ચૂંટણીમાં ₹ 55,000 કરોડનું ખર્ચ ઉમેદવારો અને પક્ષોએ કરેલું. આ ખર્ચની વાર્ષિક સરેરાશ ₹ 11,000 કરોડ થાય. 

2019માં વસ્તી 130 કરોડ હતી એટલે એક વર્ષમાં માથાદીઠ ખર્ચ ₹ 85 થયું અને પાંચ વર્ષમાં ₹ 425 થયું. શું આ ખર્ચ વધારે લાગે છે લોકશાહી માટે? જો હા, તો એમ કહી દો કે “ચૂંટણી હોવી જ ના જોઈએ, રાજાશાહી જ જોઈએ.” 

વળી, આટલું ખર્ચ થાય તો દેશની જીડીપી તો વધે જ એ ન ભૂલવું જોઈએ. હવે એમ માની લઈએ કે આટલું જ ખર્ચ વિધાનસભાઓ અને પંચાયતો કે પાલિકાઓની ચૂંટણીમાં થાય છે તો કુલ પાંચ વર્ષનું માથાદીઠ ચૂંટણી ખર્ચ ₹ 

425 × 3 સ્તરની ચૂંટણી = 1,275 ₹ જ થાય. પાંચ વર્ષમાં એક નાગરિક પાછળ આટલું ચૂંટણી ખર્ચ વધારે લાગે છે? 

દેશની માથાદીઠ આવક અત્યારે  આશરે ₹ 2,08,000 છે. એટલે પાંચ વર્ષની ₹ 10,40,000 થાય. હવે આટલી પાંચ વર્ષની માથાદીઠ આવકમાં ત્રણેય ચૂંટણીનો ખર્ચ થાય ₹1,275. આ બહુ વધારે કેવી રીતે કહેવાય એ જ સમજાતું નથી. આમાં ચૂંટણી માટેના સરકારના, ઉમેદવારોના અને પક્ષોના તમામ ખર્ચનો સમાવેશ થઈ જાય છે. જો આટલું ખર્ચ વધારે લાગતું હોય તો પછી લોકશાહીની ચિંતા કરવાનું છોડી દેવું જોઈએ.

ટૂંકમાં, લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણી એકસાથે યોજવા માટેની હિલચાલ પાંચ વર્ષ માટે કોઈ એક જ પક્ષને દેશમાં અને રાજ્યોમાં પાંચ વર્ષ માટે સરમુખત્યાર બનાવી દેવાનું કાવતરું છે. અને પક્ષ જ સરમુખત્યાર નથી બનતો, પક્ષના નેતા અને તેનું હાઈકમાંડ સરમુખત્યાર બને છે.

– હેમંતકુમાર શાહ

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x