વડાપ્રધાન મોદીના જન્મદિવસે આયુષ્માન ભવઃ કાર્યક્રમ લૉન્ચ કરાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન 17 સપ્ટેમ્બરના રોજ દેશવાસીઓને ખાસ ભેટ મળવાની છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય પીએમ મોદીના જન્મદિવસે આયુષ્માન ભવઃ’ કાર્યક્રમ લૉન્ચ કરશે. આ વિશેની માહિતી કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આપી હતી. તેમણે કહ્યું કે આરોગ્ય મંત્રાલય છેવાડાના લાભાર્થીઓ સુધી તમામ સરકારી આરોગ્ય યોજનાઓ પહોંચાડવા આયુષ્માન ભવઃ’ કાર્યક્રમ શરૂ કરી રહ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન શિબિર યોજાશે અને 60 હજાર લોકોને આયુષ્માન ભારત કાર્ડ આપવામાં આવશે.
‘આયુષ્માન ભવઃ’ કેમ્પેનના માધ્યમથી આયુષ્માન મેળા યોજાશે અને લોકોને આરોગ્ય પ્રત્યે જાગૃત કરવામાં આવશે. આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (એબી-પીએમજેએવાય) વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના છે, જે પ્રત્યેક લાભાર્થી પરિવારને વાર્ષિક પાંચ લાખ રૂપિયાનું આરોગ્ય વીમા કવચ પૂરું પાડે છે. માંડવિયાએ ઉમેર્યું કે આવનારા દિવસોમાં અમે આરોગ્ય સેવાઓ વધુ સારી રીતે પૂરી પાડવા માટે આ કાર્યક્રમ વધુ ચલાવીશું. આ ભેટ દેશને વડાપ્રધાન ના જન્મ દિવસના રોજ આપવામાં આવશે.