આજથી સંસદના વિશેષ સત્રનો થશે પ્રારંભ
સંસદનું પાંચ દિવસનું સત્ર સોમવાર એટલે કે આજથી શરૂ થશે. તેની જાહેરાત કરતી વખતે સરકારે તેને ‘વિશેષ સત્ર’ ગણાવ્યું હતું પરંતુ બાદમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે તે નિયમિત સત્ર છે. આને વર્તમાન લોકસભાનું 13મું સત્ર અને રાજ્યસભાનું 261મું સત્ર ગણાવાયું છે. સત્રમાં સંસદની 75 વર્ષની સફર પર ચર્ચા થશે અને સંસદને નવા બિલ્ડિંગમાં ટ્રાન્સફર કરવામાં આવશે. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે સત્ર દરમિયાન ચર્ચા અને પસાર કરવા માટે કુલ આઠ બિલોની યાદી આપવામાં આવી છે. સામાન્ય રીતે સંસદનું બજેટ, ચોમાસુ અને શિયાળુ સત્ર દર વર્ષે યોજાય છે. ચોમાસું સત્ર જુલાઈ-ઓગસ્ટમાં યોજાયું હતું જ્યારે શિયાળુ સત્ર નવેમ્બર-ડિસેમ્બરમાં થવાનું છે. બજેટ સત્ર દર વર્ષે જાન્યુઆરીના અંતથી શરૂ થાય છે. બે સત્રો વચ્ચે છ મહિનાથી વધુનું અંતર ન હોઈ શકે. હાલમાં સરકારે સત્રના પ્રથમ દિવસે બંધારણ સભાથી સંસદની રચના સુધીની 75 વર્ષની સફર પર વિશેષ ચર્ચાનું આયોજન કર્યું છે. આ વર્તમાન લોકસભાનું 13મું સત્ર અને રાજ્યસભાનું 261મું સત્ર ગણાવાયું છે. સત્ર 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન ગૃહની કાર્યવાહી સવારે 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી અને પછી બપોરે 2 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે.