કડી સર્વ વિશ્વવિદ્યાલ દ્વારા આયોજિત ૭૭મી સર્વ નેતૃત્વ શિબિરમાં પદ્મશ્રીનું પ્રેરણાદાયી વ્યાખ્યાન યોજાયું
કોઈ પણ કાર્યને દ્રડ મનોબળ અને દિલથી કરીએ તો કોઈ કામ અશક્ય નથી: પદ્મશ્રી ગેનાભાઈ પટેલ
જેઓના જીવનમાં સમાજ સેવા જ સર્વોપરી છે, તેવા નામથી નહિ પણ કર્મથી ઊંચેરા હોય તેવા વિશિષ્ઠ મહાનુભાવોને સર્વ નેતૃત્વ શિબિરમાં આમંત્રિત કરી વિદ્યાર્થીઓને પ્રેરણા આપવામાં આવે છે જેના ભાગ રૂપે ગત રવિવારના રોજ પદ્મશ્રી ગેનાભાઈ પટેલનું પ્રેરણાદાયી વ્યાખ્યાન સર્વ નેતૃત્વની ૭૭મી શિબિરમાં યોજાયું જેમાં ૧૯ કોલેજના ૭૨ યુવાનો જોડાયા હતા.
ઉત્તર ગુજરાતના કૃષિક્ષેત્રે કાઠુ કાઢનાર ખેડૂતપુત્ર પદ્મશ્રી ગેનાભાઈ પટેલ બાળપણથી જ પોલીયો ગ્રસ્ત થતા બંને પગ ગુમાવ્યા હતા. આવી વિપરીત પરિસ્થિતિ સામે સંઘર્ષ કરી બનાસકાંઠા જીલ્લાના લાખણી તાલુકાના ગેનાભાઈ પટેલે ટેકનોલોજી સાથે હાથ મિલાવી બંજર જમીનમાં ફળદાઈ ખેતી કરી એક ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે, જેની નોંધ લઇ ભારત સરકારે ૨૦૧૭ માં પદ્મશ્રી એવોર્ડ થી સન્માનિત કર્યા હતા. પદ્મશ્રી ગેનાભાઈ પટેલે ઉત્સાહ પૂર્વક જણાવ્યું હતું કે હું આજીવન વિદ્યાર્થી રહ્યો છું અને રહીશ. કોઈ ના કરી શકે તેવા જ કામોની શરૂઆત આપણેજ કરવી આવી પ્રેરણા વિદ્યાર્થીઓને આપી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓમાંથી પણ ઘણું બધું શીખવા મળતું હોય છે. કામને દદ્ધ મનોબળ અને દિલ થી કરીએ તો કોઈ કામ અશક્ય નથી. જીવનમાં એકબીજાને મદદરૂપ થવાની ભાવના કેળવવી જોઈએ. દાડમની ખેતી કરવાનો ઉદ્દેશ એ હતો કે દાડમનો ઉપયોગ ઘણા રોગના નિવારણ માટે થાય છે. પદ્મશ્રી ગેનાભાઈ પટેલના પ્રેરણાદાયી સંબોધનથી હોલમાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો.
સર્વ નેતૃત્વના માસ્ટર ટ્રેનર હરેશ પટેલ, સર્વ નેતૃત્વનાં કો ઓર્ડીનેટર ધર્મેન્દ્ર પટેલ, સુરજ મુંજાણી, ડૉ. આકાશ રાવલ, બલજીત કૌર અને પૂર્વ તાલીમાર્થી અભિષેક પંચાલ, કૃશીલ અને ગાયત્રી દ્વારા ૭૭મી સર્વ નેતૃત્વ શિબિરને સફળ બનાવી હતી. (સર્વ વિદ્યાલય કેમ્પસ, કડી)