હનુમાનજી બાદ હવે ગણપતિ દાદાનું કરાયું અપમાન, સ્વામિનારાયણ મંદિરમાં વિવાદિત પોસ્ટર મૂકાતા હોબાળો થયો
ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાય કોઈને કોઈ કારણસર સતત વિવાદમાં આવી રહ્યો છે. તાજેતરમાં સાળંગપુરમાં હનુમાનજીના વિવાદિત ભીંત ચિત્રોને લઈને મોટો વિવાદ થયો હતો તે હજુ સુધી સમ્યો નથી ત્યાં જ હવે ગણપતિ દાદાના પોસ્ટરને લઈને નવો વિવાદ મહિસાગર જિલ્લાના લુણાવાડામાંથી સામે આવ્યો છે. જેમાં ગણપતિ દાદાને સહજાનંદ સ્વામીના ખોળામાં બેસાડેલ દર્શાવાતા મામલે બિચક્યો છે. લુણાવાડા સ્થિત છપૈયા ધામ સોસાયટીમાં સ્વામિનારાયણ મંદિરની બહાર એક વિવાદાસ્પદ પોસ્ટર દેખાઈ રહ્યું છે, જેમાં સહજાનંદ સ્વામીને મોટા અને ગણેશજીને નાના બતાવવામાં આવ્યા છે, જેના કારણે આ પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે અને તેના કારણે ગણેશને ભક્તો ભાવનાત્મક રીતે દુભાયા છે અને આ ચર્ચાનો વિષય બન્યો છે. આ પોસ્ટર વિવાદાસ્પદ બન્યું છે અને પોસ્ટરમાં દેખાતા ભાજપના દિગ્ગજ નેતા જે.પી.પટેલની તસવીર તેમનું સ્વાગત કરતા મુકવામાં આવી છે. તો જ્યારે Gujarat Takના પત્રકાર આ મામલે મંદિરમાં તપાસ કરવા પહોંચ્યા ત્યારે મંદિરમાં હાજર પુરુષો અને મહિલાઓના 1000 લોકોના ટોળાએ તેમને ઘેરી લઈને બંધક બનાવી લીધા હતા. ગુંડાગીરી પર ઉતરી આવેલા ટોળાએ આટલેથી ન અટકીને રિપોર્ટર સાથે ઝપાઝપી કરીને બધું રેકોર્ડિંગ જબરજસ્તી ડિલીટ કરાવી દીધું અને તેમને બંધક બનાવીને બેસાડી દીધા હતા. બાદમાં પોલીસ સ્થળ પર પહોંચતા તેમને મુક્ત કરવામાં આવ્યા હતા અને મંદિર તરફથી વિવાદ વધુ ન વકરે તે માટે રિપોર્ટરને માફી પત્ર લખીને આપ્યો હતો. તો બીજી તરફ ગણપતિ દાદાના સહજાનંદ સ્વામી સાથેના પોસ્ટરથી ભક્તોની લાગણી દુખાતા શહેરમાં વાઈરલ પોસ્ટર ચર્ચાનો વિષય બન્યું હતું. વિવાદ વધુ ન વકરે તે માટે મંદિર દ્વારા બાદમાં આ વિવાદિત પોસ્ટર હટાવી લેવામાં આવ્યું હતું. પરંતુ અહીં સવાલ એ થાય છે કે શા માટે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પહેલા શા માટે ભગવાનને આ રીતે દર્શાવવામાં આવે છે જેથી વિવાદ ઊભો થાય. જો પહેલાથી જ આ પ્રકારની વિવાદિત બાબતોથી દૂર રહેવાનું સંતો દ્વારા કેમ વિચારવામાં નથી આવતું? વિરોધ બાદ જ શા માટે તેઓને પોતાની ભૂલ સમજાય છે.