SAARC બેઠકમાં પાક.ની કેવી રીતે કરી ‘ધોલાઈ’, તે આજે જણાવશે ગૃહમંત્રી
ગૃહમંત્રી રાજનાથ સિંહ તમના પાકિસ્તાન પ્રવાસ અંગે આજે સંસદના નીચલા ગૃહ લોકસભામાં પોતાનું નિવેદન રજુ કરશે. જેના દ્વારા સમગ્ર દેશ જાણશે કે ભારતે પાકિસ્તાનની ધરતી ઉપર જ પાકિસ્તાનને કેવા ચાબખા માર્યા છે. રાજનાથ સિંહ ગુરુવારે એક દિવસના સાર્ક ગૃહમંત્રી સંમેલનમાં ભાગ લેવા માટે ઈસ્લામાબાદ ગયા હતાં. આ દરમિયાન રાજનાથ સિંહે આતંકવાદને લઈને પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતાં.
ઈસ્લામાબાદમાં આયોજિત સાર્ક સંમેલનમાં રાજનાથ સિંહે આતંકવાદને લઈને પાડોશી દેશ પાકિસ્તાનને બરાબર સકંજામાં લીધો હતો. ગભરાયેલા પાકિસ્તાને રાજનાથ સિંહના ભાષણના મીડિયા કવરેજ પર રોક લગાવી હતી. ત્યારબાદ તેઓ લંચમાં પણ સામેલ થયા નહતાં. આ બાજુ પાકિસ્તાને પણ પોતાની રીતે સ્પષ્ટતા કરી હતી. પાકિસ્તાનના ગૃહમંત્રી ચૌધરી નિસાર અલી ખાને કહ્યું કે રાજનાથ સિંહે તેમના ભાષણમાં કોઈ દેશનું નામ લીધુ નહતું. તેમણે એમ પણ કહ્યું કે આમ તો બેઠકનો માહોલ સારો હતો પરંતુ ભારત તરફથી પાકિસ્તાન પર દબાણ બનાવવાની કોશિશ કરવામાં આવી હતી.