ખડકી નજીક ઓવરબ્રિજ પર મુસાફરો ભરેલી બસમાં લાગી આગ, ભારે ટ્રાફિક જામ સર્જાયો
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ખડકી નજીક ઓવરબ્રિજ પર નેશનલ હાઇવે 48 પર એક ચાલતી બસમાં અચાનક આગ લગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ખાનગી ટ્રાવેલ્સની સ્લીપર કોચ બસમાં ટાયર ફાટતા આગ લાગી હોવાનું સામે આવ્યું છે. જોકે આગ લગતા સવાર મુસાફારો બસની બારીઓ અને ઇમરજન્સી દરવાજાથી બાહર નીકળી ગયા હતા અને પોતાનો જીવ બચાવ્યો હતો. મળેલી જાણકારી અનુસાર 18 જેટલાં યાત્રીઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. આ ઘટનાને કારણે રોડ ઉપર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો.
આ ઘટનામાં બસમાં મુકવામાં આવેલ સામાન અને બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાને પગલે નેશનલ હાઇવે 48 બંધ કરાયો હતો. આ ઘટનામાં મુસાફરોનો તો આબાદ બચાવ કરાયો હતો પણ બસ અને મુસાફરોનો સામાન બળીને ખાખ થયો હતો. ઘટનાની જાણ થતા વલસાડ, પારડી અને વાપીની 4 ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. બસ ચાલકની સમય સૂચકતાને લઇ મોટી દુર્ઘટના થતા ટળી હતી.