સસ્તા અનાજના દુકાનધારકોની હડતાળ યથાવત, સરકારે આપી ચેતવણી
રાજ્યમાં ગઇકાલથી સસ્તા અનાજની દુકાનના સંચાલકો વિવિધ માગણીઓને લઈ હડતાળ પર છે. રાજ્ય સરકાર અને સસ્તા અનાજની દુકાનના ધારકોની બેઠકમાં પડતર માગણીઓને લઈ કોઈ ઉકેલ આવ્યો નથી. હડતાળના પગલે સરકાર અને દુકાનધારકો વચ્ચે બેઠક થઇ હતી. રેશનિંગના દુકાનદારોને સરકારે 20 હજાર ભથ્થુ આપવાનો ઇન્કાર કરી દેતા બેઠક નિષ્ફળ નીવડી હતી. જેના પગલે આજે પણ રેશનિંગના દુકાનદારોની હડતાળ યથાવત છે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા સાથેની બેઠકમાં રેશનિંગના દુકાનધારકો સાથેની મડાગાંઠ યથાવત રહી છે. રેશનિંગ દુકાનદારોની હડતાળને લઈને રાજ્ય સરકાર સાથેની એસોસિએશનની બેઠક નિષ્ફળ રહી હોવાના સમાચાર સામે આવ્યા છે. તેથી સસ્તા અનાજ દુકાનધારોએ હડતાળ યથાવત રહેશે. સસ્તા અનાજની દુકાન ધારકોના એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા સાથે બેઠક કરી હતી.
પ્રહલાદ મોદીએ જણાવ્યું હતું કે સરકાર સાથેની બેઠકમાં કોઈ સમાધાન થયું નથી. મંત્રી કુંવરજી બાવળીયા સાથે કરેલી બેઠકમાં કોઈ નિરાકરણ આવ્યું નથી. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ સસ્તા અનાજ દુકાનદારોને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે વાજબી માંગ હશે તો જ સ્વીકારાશે. દિવાળીના તહેવારમાં કાર્ડધારકોને મુશ્કેલી પડશે નહીં. દરેક દુકાનો પર અનાજનો પુરતો જથ્થો છે. ઓક્ટોબર મહિનામાં રાબેતા મુજબ અનાજનું વિતરણ થયું છે. નવેમ્બર મહિનાના વિતરણનું આગોતરૂ આયોજન છે. દુકાનદારો અમારા પરિવારના સભ્ય સમાન છે. દુકાનદારોની જે પણ માંગ હશે તેની ચર્ચા કરીશું.