આહવા-અમદાવાદ રૂટ પર સુવિધાઓ સભર બસ શરૂ કરાતા મુસાફરોમાં આનંદો
રાજ્યના વિવિધ વિસ્તારોમાં અવરજવર કરવામાં અગવડતા ન પડે અને સાથે સાથે પ્રવાસન સ્થળોનો પણ વિકાસ થાય તે માટે સરકાર વિવિધ સુવિધાઓ નાગરિકોને આપી રહી છે. મળેલી જાણકારી અનુસાર આહવા-અમદાવાદ રૂટ ઉપર નવી બસ સરકાર દ્વારા નાગરિકોના હિતમાં ફાળવવામાં આવી છે. મંત્રીએ અત્યંત આધુનિક અને આરામ દાયક બસ જનતાની સેવામા મૂકી છે. ડાંગ જિલ્લામાં આહવા તાલુકા પંચાયતના પ્રમુખ સુરેશભાઈ ચૌધરીના હસ્તે આહવા-અમદાવાદ રૂટ પરની નવી બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
આ બસ રાજ્યના મોટા શહેર અને મુખ્ય વેપારી મથક અમદાવાદને છેવાડાના વિસ્તાર ડાંગ સાથે જોડશે. આ સાથે પ્રવાસન સ્થળોને પણ પ્રોત્સાહન મળશે. આ અવસરે આહવા તાલુકાના સભ્ય નયનાબેન, આહવા ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ હરિચંદભાઈ ભોયે, ડેપો મેનેજર કિશોરસિંહ પરમાર તથા એસ.ટી.કર્મીઓ સહીત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. સુરેશભાઇએ જણાવ્યુ હતુ કે, ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોની સુવિધા સરળતા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યની બસોના આધુનિકરણ સાથે આકર્ષક કલર અને ડિઝાઈન સાથેની આકર્ષક બસો દોડતી થઇ છે.
આ સરકારી બસ હવે ખાનગી બસોને સ્પર્ધા આપે તેવી સુંદર બસો પ્રવાસીઓની સેવામાં સમર્પિત કરવામાં આવી રહી છે.ડાંગ જેવા દુર્ગમ અને છેવાડે આવેલા જિલ્લાએ થી અમદાવાદ તરફ મુસાફરી કરનાર જિલ્લાના વિધ્યાર્થીઓ, અને અન્ય મુસાફરોને આ બસ ખુબ જ ઉપયોગી સાબીત થશે.