દહેગામ બસ ડેપોએ દિવાળીના તહેવારો અને દૈનિક બસોના સંચાલનથી 1 કરોડથી વધુની આવક મેળવી
દિવાળીના તહેવારો દરમિયાન બહાર કામ અર્થે રહેતા લોકો પોતાના વતનમાં પોતાના ઘરે પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરવા જતા હોય છે. જેને લઇ રાજ્યમાં વિવિધ બસ ડેપો દ્વારા વિવિધ રૂટો પર બસો દોડાવવામાં આવી હતી. જે અંતર્ગત દહેગામ એસટી ડેપો દ્વારા પણ વિવિધ રૂટો પર એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી.
તહેવારો દરમિયાન વધારાની બસોના આયોજન બાબતે મંઝિલ ન્યુઝ સાથેની વાતચીતમાં દહેગામ એસટી બસ ડેપોના મેનેજર ડી. એન. ઓડે વિવિધ વિગતો જણાવી હતી, જે અનુસાર, દિવાળીના તહેવારો દરમિયાન મુસાફરોને સારી સુવિધા મળે તે હેતુથી દહેગામ એસટી ડેપો મેનેજર ડી. એન. ઓડ અને ટી. આઈ ધવલભાઈ, એ.ટી.આઈ રાજુભાઈ અને દહેગામ ડેપોના કર્મચારીઓ દ્વારા વધારાની બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને દહેગામથી અમદાવાદ, નખત્રાણા, મોડાસા, ઝાલોદ, દાહોદ, રાજકોટ, જુનાગઢ રૂટ ઉપર વધારાની એકસ્ટ્રા બસો મૂકી મુસાફરોને સલામત સવારીનો લાભ આપવામાં આવ્યો હતો.
જેમાં દહેગામ ડેપોને તારીખ 07-11-2023થી લઈ અત્યાર સુધીમાં એક્સ્ટ્રા તેમજ દૈનિક સંચાલન દ્વારા આશરે 1 કરોડથી વધુની આવક થવા પામેલ છે. આ બાબતે ડેપો મેનેજર દ્વારા તમામ મુસાફર, દહેગામ ડેપોના ડ્રાઈવર અને કંડક્ટર તેમજ તમામ ડેપો સ્ટાફને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.