પૃથ્વી શાહના બે પુસ્તકો ‘અનકહી અનુભૂતિયાં’ અને ‘શ્રીજા’નું લોકાર્પણ
ગાંધીનગર સાહિત્ય સભા અને એ.પી. પબ્લિશર્સના સંયુક્ત ઉપક્રમે જાણીતા સર્જક અને ચિંતક પૃથ્વી શાહની કલમે લખાયેલા હિન્દી કાવ્યસંગ્રહ ‘અનકહી અનુભૂતિયાં’ અને ગુજરાતી નવલિકા સંગ્રહ ‘શ્રીજા’ બંને પુસ્તકોનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ઉત્તરના ધારાસભ્યશ્રી રીટાબેન પટેલ તથા છોટાઉદેપુરના ધારાસભ્યશ્રી રાજેન્દ્ર સિંહજી રાઠવાની ગરીમામયી ઉપસ્થિતિમાં અને સાહિત્ય જગતના જાણીતા લેખકો અને કવિઓની હાજરીમાં, ગાંધીનગરમાં સ્વામિનારાયણ ગુરુકુળ હોલ ખાતે આ બન્ને પુસ્તકોનો વિમોચન કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે શ્રી રીટાબેન પટેલે સર્જકના સાહિત્ય સર્જનને પોંખતા જણાવ્યું હતું કે, પુસ્તકો વાંચવાથી જીવનની દરેક ક્ષણે નવી દિશા ખુલે છે. સોશિયલ મીડિયાના આ ડિજીટલ યુગમાં પણ પુસ્તકોનું મહત્વ એટલુ જ બરકરાર છે. પુસ્તકોને આજીવન સાથ આપતા સારા અને સાચા મિત્રો ગણાવી રીટાબેને કહ્યું કે, એક લેખક જ્યારે એના વર્ષોના અનુભવોનો નિચોડ શબ્દો સ્વરૂપે પોતાના પુસ્તકમાં ઢાળે છે અને ભાવક કલાકોમાં એ વાંચી લેખકની કલમે કંડારેલા શબ્દો અને કલ્પનાના કમાલની અનુભૂતિ કરવા લાગે છે. ધારાસભ્યશ્રીએ લોકમાન્ય તિલકના અદભુત પુસ્તક પ્રેમની વાત કરી જણાવ્યું હતું કે, પુસ્તકમાં અદભૂત તાકાત છે. એ નર્કને પણ સ્વર્ગ બનાવી શકે છે અને દુઃખમાં સુખની અનુભૂતિ કરાવી શકે એવી પ્રચંડ તાકાત એક પુસ્તક અને તેના શબ્દોમાં રહેલી છે.
છોટાઉદેપુરના લોકલાડિલા વિધાયક શ્રી રાજેન્દ્રસિંહજી રાઠવાએ ગુજરાતી સાહિત્યના ભવ્ય વારસાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, સાહસ, વેપાર અને વાંચન ગુજરાતના લોકોની ગળથૂથીમાં છે. હવે આ ત્રણેય ગુણ આપણે આવનારી પેઢીને વારસામાં આપવાના છે. પેઢી દર પેઢી વાંચનયાત્રા વિકસતી રહે એ દિશામાં કાર્ય કરવા ઉપર ભાર મૂકતાં એમણે કહ્યું હતું કે, મને મારા પિતાજી મોહનસિંહજી પાસેથી વાંચનની ટેવ વારસામાં મળી છે આપણે સૌએ પણ આપણા બાળકોને વાંચન પ્રતિ રૂચિ કેળવવાય એ દિશામાં કામ કરવાનું છે. શ્રી રાજેન્દ્ર રાઠવાએ શ્રી પૃથ્વી શાહના વિમોચિત થયેલા બે પુસ્તકો અને સર્જક વિશે જણાવતા કહ્યું કે, જીવનના ચાર દાયકા સુધી સઘન પત્રકારત્વમાં કાર્યરત રહી, જીવનના દરેક તબક્કે અનુભવેલી વાસ્તવિકતાઓને પૃથ્વીભાઇએ કવિતાઓ અને વાર્તામાં પ્રસ્તુત કરીને આપણી સમક્ષ બે સુંદર પુસ્તકો મૂક્યા છે. નિજાનંદ માટે કલમને સાચો સાથી માની જે પ્રેરણા અને પ્રસંગો વાર્તારૂપે આલેખાયા છે, એ માટે તેમણે લેખક શ્રી પૃથ્વી શાહને અભિનંદન પાઠવ્યા હતા. ગુજરાતી સાહિત્યના બે વરિષ્ઠ સાહિત્યકારો શ્રીરાઘવજી માઘડ અને શ્રી કેશુભાઈ દેસાઈએ પ્રસંગોચિત વક્તવ્ય આપી સર્જક શ્રી પૃથ્વીભાઈ શાહને અભિનંદન પાઠવ્યા હતા. શ્રી રાઘવજી માઘડે સર્જકના સર્જન કાર્યને વિશિષ્ટ કલા ગણાવી હતી. કેશુભાઇ દેસાઈએ લેખકના બંને પુસ્તકોની વિગતે સમિક્ષા કરી હતી. સ્ત્રીના અનેક રૂપોને શ્રીજા પુસ્તકમાં લેખકે આલેખ્યા છે. અનકહી અનુભૂતીયા કાવ્યસંગ્રહમાં ‘લોકડાઉન’ કાવ્ય થકી અનુકંપા થઈ આવે તેવી સુંદર કવિતા કવિ પૃથ્વીભાઇ શાહે આપી છે એમ તેમણે જણાવ્યું હતું. આવા સમર્થ સર્જકની લોકો સમક્ષ મૂકવાનો પ્રયાસ કરવા બદલ તેમણે એ.પી. પબ્લિકેશન તથા આ પુસ્તક સાથે જોડાયેલા સૌ કોઇને બિરદાવ્યા હતાં. આ પ્રસંગે હિન્દીના જાણિતા સાહિત્યકાર શ્રી આલોક ગુપ્તા તથા ગાંધીનગર સાહિત્ય સભાના અધ્યક્ષ શ્રી રમેશભાઈ ઠક્કરે પ્રાસંગિક ઉદબોઘન કર્યું હતું. એ.પી પબ્લિકેશનના ડાયરેક્ટર શ્રી પુલક ત્રિવેદીએ શાબ્દિક સ્વાગતમાં જણાવ્યું હતું કે, શ્રી પૃથ્વી શાહને ગાંધીનગર શહેરની સ્થાપનાના શરૂઆતના કાળમાં નગરમાં સાહિત્યિક સૌરભ ફેલાવનારા સાહિત્યકારોમાના એક પાયાના સર્જક ગણાવ્યાં હતા. કાર્યક્રમનું સંચાલન શ્રી ભાનુભાઈ દવે દ્વારા કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય રહેશે કે, એ.પી પબ્લિકેશને ચારેક મહિનાના ટૂંકા ગાળામાં ૨૨ જેટલા પુસ્તકો પ્રકાશિત કરીને લોકો સુધી પહોંચાડ્યા છે. જેમાં પદ્મશ્રી દેવેન્દ્રભાઇ પટેલ, ડૉ. ભાગ્યેશભાઇ જહા, શ્રી વી. એસ. ગઢવી, શ્રી પ્રકાશ લાલા, પ્રો. ભાસ્કરભાઇ મહેતા, પ્રો. પૃથ્વીભાઇ શાહ જેવા સમર્થ સર્જકોના સર્જનનો સમાવેશ થાય છે. આ પ્રસંગે નગરના સાહિત્ય સર્જકો સર્વ શ્રી સુમંતભાઇ શાહ, પ્રકાશભાઇ લાલા, ગીરિમાબેન ધારેખાન, પ્રતાપસિંહ ડાભી, નટુભાઇ પરમાર, રમણભાઇ વાઘેલા, કિશોરસિંહજી પઢિયાર, મિતેશભાઇ મોદી, બળદેવસિંહજી વાઘેલા પ્રદીપભાઇ રાવલ, નિતીનભાઇ પટેલ, જીતેંદ્રભાઇ ટાંક સહિત મોટી સંખ્યામાં ભાવકો ઉપસ્થિત રહ્યાં હતાં.

