વડાપ્રધાન મોદી રૂ.૩૫૩ કરોડના ખર્ચે નિર્મિત સુરત એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું લોકાર્પણ કરશે
વડાપ્રધાન મોદી તા.૧૭મીએ રૂ.૩૫૩ કરોડના ખર્ચે નિર્મિત સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડીંગનું લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્યના મંત્રી ઓ, મહાનુભાવો, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ સંપન્ન થશે. વિશેષત: સુરત હવાઈમથક હાલમાં દિલ્હી, ચેન્નઈ, બેંગલુરુ, કોલકતા, હૈદરાબાદ, ગોવા, ગોવા (મોપા), પુણે, દીવ, બેલગાવી, ઈન્દોર, ઉદયપુર, જયપુર અને કિશનગઢ જેવા ૧૪ રાષ્ટ્રીય શહેરો અને આંતરરાષ્ટ્રીય રીતે શારજાહ મારફતે વિશ્વના બાકી ભાગો સાથે જોડાયેલું છે.
સપ્તાહ દીઠ ૨૫૨ થી વધુ પેસેન્જર ફ્લાઈટની અવરજવર થાય છે, ત્યારે સુરતને ગત તા.૧૫મીએ જ કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપ્યો છે, જેના કારણે સુરત એરપોર્ટના આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવાથી યાત્રી અવરજવર અને કાર્ગો સંચાલનમાં વધારા સાથે ક્ષેત્રીય વિકાસના અવસરો આપશે. એર કનેક્ટિવિટી વધવાની સાથે નવા બિલ્ડીંગથી મુસાફરોની સુવિધાઓમાં વધારો થશે. સુરત અને ગુજરાતની સંસ્કૃતિ, સ્થાનિક પરિવેશ અને પરંપરાને આર્ટ વર્ક દ્વારા ઉજાગર કરવા માટે ડિઝાઈન કરાયેલા ટર્મિનલ બિલ્ડિંગનો અગ્રભાગ સુરત શહેરના રાંદેર વિસ્તારના કાષ્ટના જૂનાપૂરાણા ઘરોમાંથી પ્રેરણા લઈને તૈયાર કરાયેલો છે.
ટર્મિનલના આંતરિક ભાગમાં રોગનની સ્થાનિક કળા કલાકૃત્તિ, જરી અને બ્રોકેડ જેવા ભરતકામ, લાકડાની સુંદર કોતરણી તેમજ ગુજરાતના લોકપ્રિય પતંગોત્સવને દર્શાવતા મોઝેકકાર્યનું ચિત્રણ કરાયુ છે. એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગ અને એપ્રોનનું વિસ્તરણ, ટેક્સિ ટ્રેકનું બાંધકામ કરવામાં છે. ટર્મિનલનો વધારાનો ભાગ કાચ, સ્ટીલ, મેટલ અને ફ્લાય એશ ઈંટ સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. એરપોર્ટમાં મુસાફરો માટે ૨૦ ચેક-ઈન કાઉન્ટર, ૫ એરોબ્રિજ, ૧૩ ઈમિગ્રેશન કાઉન્ટર, ૫૦૦ કાર પાર્કિંગ જેવી સુવિધા ઉપલબ્ધ થઈ છે. વિસ્તરણ પછી સુરત એરપોર્ટ પીક અવર્સ દરમિયાન પ્રતિ કલાક ૧૮૦૦ મુસાફરો અને વાર્ષિક ૩૫ લાખ મુસાફરોને સેવા આપવા સક્ષમ બનશે.
સુરત એરપોર્ટ પર હાલનું ટર્મિનલ હાલમાં ૮૪૭૪ ચોરસ મીટર છે. ટર્મિનલની જમણી અને ડાબી બાજુનું વિસ્તરણ કરાયું છે, જે કુલ ૧૭,૦૪૬ ચોરસ મીટર છે. જેથી ૧૭મીએ વડાપ્રધાનશ્રીના હસ્તે વિસ્તૃત ભાગ શરૂ થયા પછી ટર્મિનલ બિલ્ડિંગનો કુલ વિસ્તાર ૨૫,૫૨૦ ચો.મી. થઈ જશે. નોંધનીય છે કે, સુરત ભારતના સૌથી ગતિશીલ શહેરો પૈકીનું એક છે, ડાયમંડ અને ટેક્ષટાઈલ ઉદ્યોગમાં આગવી નામના ધરાવે છે, ત્યારે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો મળવાથી આર્થિક વૃદ્ધિમાં ગતિ લાવવામાં મદદ મળશે. સાથે જ વિદેશી રોકાણ આકર્ષિત કરવા અને રાજદ્વારી સંબંધોને મજબૂત કરવામાં મદદ મળશે.
દેશવિદેશના વ્યાપારીઓને નવા એરપોર્ટથી સુવિધાજનક મુસાફરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એર કનેક્ટિવિટી મળશે. સુરત એરપોર્ટ માત્ર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે પ્રવેશદ્વાર જ નહીં બને, પરંતુ સમૃદ્ધ હીરા અને કાપડ- ઉદ્યોગો માટે અવિરત નિકાસ-આયાત કામગીરીની સુવિધા પણ આપશે. સુરત એરપોર્ટથી દુબઈ અને હોંગકોંગ માટે ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ થઈ શકશે.