ગાંધીનગર

ગાંધીનગરમાં યોજાઈ વસાણા હરીફાઈ, ૩૦ સ્પર્ધકોએ લીધો ભાગ

પાટનગરની જાણીતી સેવા સંસ્થા ઇંદુમતી ફાઉન્ડેશન અને ગાંધીનગરની સર્વ પ્રથમ હિન્દી વેબ ન્યુઝ ચેનલ તસવીરે ગાંધીનગર દ્વારા મધર ઇન્ટરનેશનલ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી વર્તમાન શિશિર ઋતુ નિમિત્તે “વસાણા હરીફાઈ ૨૦૨૩”નું આયોજન કરવામાં આવ્યું હતું. તા.૨૬મી ડિસેમ્બરે બપોરે ૩ થી ૫ દરમિયાન ધી બ્લેક બર્ડ કેફે, સરગાસણ, ગાંધીનગર ખાતે આ નિ:શુલ્ક વસાણા સ્પર્ધા ૨૦૨૩ યોજવામાં આવી હતી જેમાં ૩૦ જેટલાં મહિલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. પરંતુ ૬૦ વર્ષના એક પુરુષ સ્પર્ધકે આ સ્પર્ધામાં ભાગ લઈને મહિલાઓનો ઈજારો તોડ્યો હતો. સ્પર્ધાનું આકર્ષણ એક બાસઠ વર્ષીય વડીલ મહિલા બન્યાં હતાં, જેમણે પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં અફલાતૂન વસણા બનાવીને સહુની પ્રશસ્તિ પ્રાપ્ત કરી હતી.

આ સ્પર્ધામાં પ્રથમ સ્થાને દિજ્ઞાબેન મિસ્ત્રી, દ્વિતીય સીમાબેન મહીડા, તૃતીય હિનાબેન ગોહિલ અને ચોથા ક્રમે શિલ્પાબેન શાહ વિજેતા થયા હતા. જ્યારે સાઠ વર્ષીય પ્રજ્ઞાચક્ષુ સ્પર્ધક સુર્યાબેન બ્રહ્મભટ્ટ અને એક માત્ર પુરુષ સ્પર્ધક બાબુભાઈ ચૌધરીને સ્પેશિયલ ઈનામથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

જાણીતા ફુડ એક્સપર્ટ ચક્ષુશા વત્સલ વોરા અને દર્શના જોશીએ નિર્ણાયકો તરીકે સેવાઓ આપી હતી. સહુ વિજેતાઓને મધર ઇન્ટરનેશનલ ચેરીટેબલ ટ્રસ્ટનાં નીમિતા ચિરાગ મકવાણા, તસવીરે ગાંધીનગરનાં હેતલ કેયુર દેસાઈ તેમજ ધી બ્લેક બર્ડ કેફેના પાર્થ પટેલના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં. સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x