રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને કારણે GTUની 22મીએ લેવાનારી પરીક્ષાઓ મોકૂફ રખાઇ
રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને પગલે કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકારે પણ 22મીએ અડધી રજા જાહેર કરી દીધી છે ત્યારે જીટીયુ દ્વારા 22મીએ લેવાનારી વિવિધ કોર્સની વિન્ટર સેમેસ્ટરની થિયરીકલ અને પ્રેક્ટિકલ પરીક્ષા મોકુફ કરી દેવામા આવી છે. જીટીયુ દ્વારા હાલ ચાલી રહેલી વિવિધ ટેકનિકલ કોર્સની વિન્ટર સેમેસ્ટર પરીક્ષાઓ ફરી એકવાર મોકુફ કરી દેવી પડી છે. અગાઉ વાઈબ્રન્ટ સમિટને પગલે બે દિવસ પરીક્ષા મોકુફ કરવી પડી હતી ત્યારે હવે 22મીએ રામ મંદિરના ઉદઘાટનને લઈને અડધી રજા જાહેર થતા પરીક્ષા મોકુફ કરવી પડી છે. 22મીએ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે ત્યારે કેન્દ્ર સરકારે તમામ સરકારી કચેરીઓ માટે બપોરના 2.30 વાગ્યા સુધીની એટલે કે અડધા દિવસની રજા જાહેર કરી છે અને જેને પગલે રાજ્ય સરકારે પણ રાજ્યની તમામ સરકારી-અર્ધ સરકારી કચેરીઓમાં 2.30 વાગ્યા સુધીની રજા જાહેર કરી દીધી છે.જેને પગલે જીટીયુ દ્વારા વિન્ટર સેમેસ્ટરની પરીક્ષાઓ અંતર્ગત 22મીએ લેવાનારી યુજી,પીજી,ડિપ્લોમાની વિવિધ સેમ.ની રેગ્યુલર-એક્સટર્લન પરીક્ષા તમામ ઝોનમાં મોકુફ કરવામા આવી છે. 22મીએ લેવાનારી થીયરીકલ અને પ્રેક્ટિકલ સહિતની તમામ પરીક્ષા મોકુફ કરવામા આવી છે.આ પરીક્ષાઓની નવી તારીખ પછીથી જાહેર કરવામા આવશે.23મીથી રાબેતા મુજબ પરીક્ષાઓ લેવાશે.