આવતીકાલે અયોધ્યામાં રામ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
અયોધ્યામાં આવતીકાલેરામ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. ત્યારે તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. દેશ સહિત રાજ્યભરમાં વિવિધ સંસ્થાઓ, શાળા-કોલેજ, સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. રામ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવને લઈ હાલ સમગ્ર ભારત દેશના દરેક રામભકતોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે કચ્છના માધાપરમાં રહેતા અને કચ્છની વિશ્વવિખ્યાત એવી પ્રાચીન રોગાન કળાના કલાકાર આશિષ કંસારાએ ‘રોગાન- આર્ટ ‘ દ્વારા રામ મંદિર મહોત્સવમાં પરોક્ષ રીતે સહભાગી થવા પોતાની શ્રદ્ધાને કળા દ્વારા પ્રગટ કરી છે. આવતીકાલે ઉત્તરપ્રદેશના અયોધ્યા ખાતે ભવ્ય શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. રામ મંદિરના સ્થાપત્યની આબેહૂબ કૃતિ રોગાન કળા મારફતે તૈયાર કરવામાં આવી છે.અયોધ્યામાં આવતીકાલે 22 જાન્યુઆરીના રોજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે.
આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેવાના છે. પીએમ મોદી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને 11 દિવસથી અનુષ્ઠાન કરી રહ્યા છે. આ સાથે જ ફર્શ પર સૂઈ રહ્યા છે અને નારિયેળ પાણીનું સેવન કરી રહ્યા છે. ત્યારે હવે સોમવારના રોજ પીએમ મોદી રામ નગરીમાં 5 કલાક સુધી રહેશે અને શુભ સમારોહ અને સાર્વજનિક કાર્યક્રમોમાં સામેલ થશે. અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા આવતીકાલે 22 જાન્યુઆરીના રોજ થશે અને આ કાર્યક્રમની પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે. હાલ રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિ બિરાજમાન કરવામાં આવી છે. રામલલ્લાની મૂર્તિ જોઇને ભક્તો આનંદિત થઇ ગયા છે. વડાપ્રધાન પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આવતીકાલે રામલલ્લાનો અભિષેક કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં દેશ-વિદેશમાંથી ઘણા મહેમાનો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક કાર્યક્રમના સાક્ષી બનવા અયોધ્યા આવશે. આજરોજ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા માટે માત્ર 84 સેકન્ડનો શુભ મુહૂર્ત નક્કી કરવામાં આવ્યો છે. વૈદિક કાળથી આ પરંપરા ચાલી આવે છે કે જ્યારે પણ કોઈ પણ ભગવાનની મૂર્તિ મંદિરમાં સ્થાપિત કરવામાં આવે છે. તેને સૌથી પહેલા વિધિ- વિધાન સાથે તેમની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે. એટલે કે કોઇ પણ મૂર્તિમાં જ્યારે વૈદિક મંત્રોના ઉચ્ચારણ અને ખાસ વિધિઓ દ્વારા તેમાં પ્રાણની પ્રતિષ્ઠા (સ્થાપિત) કરવામાં આવે છે, તો તેને પ્રાણ પ્રતિષ્ઠા કહેવામાં આવે છે. આ પ્રક્રિયા મૂર્તિને પ્રાર્થના સ્વીકારવાની અને વરદાન આપવાની ક્ષમતા આપે છે.
વડાપ્રધાન મોદીનું અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિસ્ઠા દરમિયાનનું શેડ્યૂલ
- 10:25 AM: અયોધ્યા એરપોર્ટ પર આગમન થશે.
- 10:55 AM: રામ જન્મભૂમિ સંકુલમાં હેલિકોપ્ટર દ્વારા પહોંચશે.
- 11:00 AM-12:00 PM: રામ જન્મભૂમિ સંકુલની મુલાકાત.
- 12:00 PM: ગર્ભગૃહ પહેલાં સંકુલની અંદર 8000થી વધુ વિશેષ આમંત્રિત લોકો સાથે બેસશે.
- 12:05 PM-12:55 PM: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થશે.
- 12:55 PM: મંદિર પર હેલિકોપ્ટરથી ફૂલોની વર્ષા કરાશે.
- 1:00 PM-2:00 PM: પીએમ મોદી, મોહન ભાગવત અને યોગી આદિત્યનાથનું સાર્વજનિક ભાષણ.
- 2:10 PM: પીએમ મોદી રામ જન્મભૂમિ સંકુલની અંદર કુબેર ટીલાની મુલાકાત લેશે.
- 3:30 PM: અયોધ્યાથી રવાના થવાની અપેક્ષા.