આવતીકાલે દેશભરમાં આન, બાન, શાન સાથે 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાશે
આજે દેશભરમાં આન, બાન, શાન સાથે તિરંગો લહેરાશે. ૧૪૦ કરોડ ભારતવાસીઓ આજે ૭૫માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરશે. સરકારી કચેરીઓમાં રોશનીના શણગાર તથા સુશોભન કરવામાં આવેલ છે. શાળા-કોલેજોમાં પણ ધ્વજવંદનના કાર્યક્રમો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો તથા સ્પર્ધાના આયોજનો કરવામાં આવેલ છે. ઠેર ઠેર પર્વ ઉજવણીના રિહર્સલ યોજાયા હતા. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાષ્ટ્રીય પર્વની ઉજવણી માત્ર રાજધાની ગાંધીનગર ખાતે કરવાના બદલે રાજ્યના અલગ-અલગ શહેરોમાં કરવાની પરંપરા શરૂ કરી હતી. જે આજે પણ યથાવત છે. પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી આ વર્ષ જૂનાગઢમાં થઇ રહી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં આજે જૂનાગઢ ખાતે એટહોમ કાર્યક્રમ યોજાશે. અંગ્રેજીની ગુલામીમાંથી ભારત ૧૫મી ઓગસ્ટ-૧૯૪૭ના રોજ આઝાદ થયો હતો. ૧૫મી ઓગસ્ટની ઉજવણી સ્વાતંત્ર્ય દિવસ તરીકે કરવામાં આવી હતી. ભારતનું પોતાનું બંધારણ ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ અસ્તિત્વમાં આવ્યું હતું. ૨૬મી જાન્યુઆરીની ઉજવણી પ્રજાસત્તાક પર્વ તરીકે કરવામાં આવે છે. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશવાસીઓને સંબોધન કરશે.
ચૌધરી હાઇસ્કુલના મેદાનમાં અધિક કલેકટર ગાંધીના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે તથા રાજકોટ જિલ્લા કક્ષાનો ધ્વજવંદનનો કાર્યક્રમ ઉપલેટા ખાતે યોજાયેલ છે. રાજયના મંત્રી રાઘવજીભાઇ પટેલના વરદ હસ્તે ધ્વજવંદન થશે.
સલાયા મરીન પોલીસ સ્ટેશન પ્રજાસત્તાક દિવસ નિમિતે તિરંગા લાઇટ ડેકોરેશનથી ઝળહળ્યું લાઇટ ડેકોરેશનથી આખા પોલીસ સ્ટેશને શણગારવામાં આવ્યું. પી.આઇ. શિંગરખીયાના માર્ગદર્શન હેઠળ ડેકોરેશન કરવામાં આવ્યું.
શાળાના શિક્ષક યોગેશભાઈ જોશીના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે રાષ્ટ્રના ૭૫ માં પ્રજાસત્તાક દિન પર્વની ઉજવણીના ભાગ સ્વરૂપે રાજુલા જઈએ સંઘવી હાઈસ્કૂલના પટાનગરમાં અતિથિઓની વિશેષની ઉપસ્થિતિમાં શાળાના સિનિયર શિક્ષક યોગેશભાઈ જોશીના દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે આ માટે હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે આ તકત ધ્વજવંદન સવારે ૯ઃ૦૦ કલાકે યોજાશે અને વિદ્યાર્થી કૃતિઓ રજૂ કરવામાં આવશે અને વિશિષ્ટ સન્માન સમારંભ રાખવામાં આવ્યો છે જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્નેહમિલન અને અમૃત મહોત્સવ પ્રસંગે સહયોગ બદલ તમામ સેવા કરનાર વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે તેવું યોગેશભાઈ જોશી ની અખબાર યાદીમાં જણાવેલ છે.
તા. ૨૬ મી જાન્યૂઆરીના ગીર સોમનાથ જિલ્લાની પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી સૂત્રાપાડા કરવામાં આવનાર છે. તેને અનુલક્ષીને આજે રિયલ ટાઇમ રિહર્સલ સૂત્રાપાડાના શ્રી બી.એમ. બારડ એજ્યુકેશન ટ્રસ્ટના રમત ગમત ગ્રાઉન્ડ ખાતે યોજાયું હતું.પ્રજાસત્તાક દિનનું ફુલ ડ્રેસ રિહર્સલ આજે સવારે યોજાયું હતું. પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે યોજાયેલ કાર્યક્રમમાં ટેબ્લો પ્રદર્શન, પીરામીડ, સમૂહ રાસ અને પરેડ સહિત કાર્યક્રમનું રિહર્સલ આયોજિત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં વન્ય પ્રાણી, ખેડૂતલક્ષી યોજના, મત્સ્ય ઉદ્યોગ યોજના, પશુપાલન યોજના, આયુષ્યમાન ભારત યોજના, ઉજ્જવલા યોજના વિશે જાગૃતિ ફેલાવવા માટે ટેબ્લોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. ઇન્ચાર્જ અધિક નિવાસી કલેકટર કે.વી.બાટીએ પરેડનું નિરીક્ષણ કરી કાર્યક્રમ માટે કરવામાં આવેલ તૈયારીની તલસ્પર્શી માહિતી મેળવવા સાથે નિરીક્ષણ કર્યું હતું. આ રિહર્સલ અવસરે જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા સહિતના જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાના ૭૫ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં ભાણવડમાં ભૂતવડ રોડ, ન્યાય મંદિર સામે સવારે ૯ વાગ્યે યોજાશે.આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુચારૂ આયોજન થાય તે માટે નિવાસી અધિક કલેકટર ભુપેશ જોટાણીયાની રાહબરી હેઠળ રિહર્સલ યોજવામાં આવ્યું હતું. નિવાસી અધિક કલેકટરે મંત્રીનું આગમન, ધ્વજવંદન, પોલીસ ટૂકડી દ્વારા સલામી અને રાષ્ટ્રગાન, પરેડ નિરીક્ષણ, ઉદબોધન, વૃક્ષારોપણ સહિતનાં આયોજનોનું રિહર્સલ નિહાળીને નિરીક્ષણ કર્યું હતું.