ગાંધીનગર

ગાંધીનગર: ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાંથી ફરાર થઇ જનાર આરોપી દેત્રોજથી પકડાયો

ગાંધીનગર : ઇન્ફોસીટી પોલીસ દ્વારા ચેઇન સ્નેચીંગનાં ગુનામાં ટ્રાન્સફર વોરંટથી ગાંધીનગર લાવવામાં આવેલો અજય ઉર્ફે અજીયો રમેશજી ઠાકોર બુધવારે સવારે ઇન્ફોસીટી પોલીસ સ્ટેશનથી પોલીસને ચકમો આપીને નાસી ગયો હતો. આ બનાવને લઇને ગાંધીનગર એલસીબી, એસઓજી તથા ઇન્ફોસીટી પોલીસ દોડતી થઇ ગઇ હતી. દરમિયાન આરોપી અમદાવાદનાં દેત્રોજ પહોચ્યો હોવાની માહિતી મળતા સ્થાનિક પોલીસની મદદથી દેત્રોજ ચોકડીથી ઝડપી લીધો હતો. આરોપીને સેકટર 7 પોલીસને સોપવામાં આવતા વધુ પુછપરછ હાથ ધરી છે.

ગાંધીનગર LCB-SOGએ દેત્રોજ પોલીસની મદદથી ઝડપી લીધો

સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંટનાં આધારે લાવવામાં આવેલો આરોપી અજય ઠાકોરને બુધવારે સવારે લોકઅપનાં ટોઇલેટમાં પાણી ન આવતુ હોવાથી બહાર કાઢવામાં આવ્યો હતો. જયાંથી અજય પોલીસને ચકમો આપીને દિવાલ કુદીને ફરાર થઇ ગયો હતો. આ ઘટનાને લઇને પોલીસ દોડતી થઇ ગઇ હતી. જિલ્લા પોલીસ વડાએ એલસીબી તથા એસઓજી સહિતની ટીમનો કામે લગાડી હતી. પોલીસ દ્રારા શહેરનાં માર્ગોનાં સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવતા આરોપી અજય ઇન્ફોસીટીથી નાસીને વાવોલ તરફ જતા માર્ગ પર દોડતો ભાગતો જોવા મળ્યો હતો. જયારે બીજી તરફ એસઓજી પીઆઇ એમ આર પુવાર તથા એલસીબી પીએસઆઇ આર એન વાઘેલાની ટીમો પણ સતત આ દિશામાં કાર્યરત હતી.

જેના પગલે તેનાં વતન તથા વચ્ચે આવતા પોલીસ સ્ટેશનોની પોલીસને સજાગ કરી દીધી હતી. પોલીસને આરોપી અજય તેમનાં વતન કડી તાલુકાનાં કુંડાળ ગામે પહોચ્યો હોવાની બાતમી મળી હતી. જેના પગલે સ્થાનિક પોલીસને પણ સક્રીય કરી દીધી હતી. ગાંધીનગર એસઓજી, એલસીબી તથા દેત્રોજ પોલીસે સંયુકત કામગીરી હાથ ધરી જુદી જુદી જગ્યાએ વોચ ગોઠવી દીધી હતી. દરમિયાન ગુરૂવાર વહેલી સવારનાં સુમારે અજય પોતાનાં ગામથી તેમનાં મામાનાં ગામ દેકાવાડા જતો હોવાની માહિતી મળતા દેત્રોજ ચોકડી પર વોચ ગોઠવીને ઝડપી લીધો હતો.

આરોપી અજય કોની મદદથી આટલે દુર પહોચ્યો?

પોલીસ દ્વારા આરોપી અજય જે દેત્રોજ ચોકડીથી ઝડપવામાં આવ્યો છે. દેત્રોજ ચોકડી ગાંધીનગરથી 55 કિલોમીટર દુર થાય છે. પોલીસે અજયને અહિયા સુધી કઇ રીતે પહોચ્યો તે અંગે પુછપરછ કરતા ચાલતો-દોડતો અહિયા સુધી પહોચ્યો હોવાનું જણાવ્યુ હતુ. રાતભર તેમનાં ગામમાં છુપાઇ રહ્યો હતો અને સવાર પડતા દેકાવાડા મામાનાં ઘરે જવા નિકળ્યો હતો. જો કે અજય ચાલીને પહોચ્યો છે કે કોઇએ મદદ કરી છે તે બાબતે સેકટર 7 પોલીસ દ્વારા વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x