વન મહોત્સવ ઉજવાયો: દેશમાં ગુજરાત ત્રીજા નંબરનું હરિયાળુ રાજ્ય
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના જિલ્લાકક્ષાના 67મા વન મહોત્સવની ઉજવણી ગુરૂવારે ઉવારસદ ખાતેના સદૂવિચાર વિકલાંગ પુનર્વસન કેન્દ્રમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે આરોગ્ય, પરિવાર કલ્યાણ મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી નિતીનભાઇ પટેલના હસ્તે વૃક્ષારોપણ અને દીપ પ્રાગટય કરીને વન મહોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે આજે ગુજરાત દેશમાં દિલ્હી, ગોવા પછી ત્રીજા નંબરનું હરિયાળું રાજય બન્યું છે.
નીતિન પટેલના અધ્યક્ષસ્થાને ઉવારસદમાં જિલ્લાકક્ષાનો વન મહોત્સવ ઉજવાયો
ગુજરાતમાં ૩૦ કરોડ વૃક્ષો હોવાનું ગણતરીમાં જણાયુ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે,ગુજરાતના સપૂત અને જાણીતા લેખક-સાહિત્યકાર કનૈયાલાલ મુનશી જયારે કેન્દ્રમાં મંત્રી હતા, તે સમયે તેઓએ 1950થી સમગ્ર દેશમાં વન મહોત્સવનો આરંભ કર્યો હતો. ગુજરાતમાં વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી મુખ્ય મંત્રી હતા, ત્યારે તેમણે રાજયના વિવિધ જિલ્લામાં યોજવાનું નક્કી કર્યું હતું.
સમગ્ર ગાંધીનગર જિલ્લો હરિયાળો બને તે માટેનું સર્વે જિલ્લાવાસીઓને આહૂવાન કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય અશોકભાઇ પટેલ અને શંભુજી ઠાકોર, ગુડાના ચેરમેન આશિષભઇ દવે, ગાંઘીનગરના મેયર પ્રવિણભાઇ પટેલ, જિલ્લા પ્રભારી સચિવ સંજીવકુમાર, જિલ્લા કલેકટર સતીશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી જયશ્રીબેન દેવાંગણ, પ્રાંત અઘિકારી રોકશકુમાર વ્યાસ અને સી.એમ.પાડલિયા સહિત અગ્રણીઓ હાજર રહ્યાં હતાં.
ચાલુ વર્ષે 600 હેકટરમાં 1.70 લાખ રોપાંનું વાવેતર
રેન્જ ફોરેસ્ટ ઓફિસર ભરતભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, ગાંધીનગર વન વિભાગ દ્વારા ચાલુ વર્ષે જંગલ વિસ્તારની 600 હેકટર જમીનમાં ૧,૬૯,૭૧૦ રોપાઓનું વાવેતર કરાયુ છે. સામાજિક વનીકરણ હેઠળ ૪૩૦ હેકટર વિસ્તારમાં ૩,૮૫,૧૫૭ રોપાઓનું વાવેતર કરાયુ છે. તેમજ સહભાગી વન વ્યવસ્થા મંડળી દ્વારા ૧૩૦ હેકટર વિસ્તારમાં 1.20 લાખ રોપાઓનું વાવેતર કરાયુ છે. ચાલુ વર્ષે વન મહોત્સવ યોજના હેઠળ 19.50 લાખ રોપા ઉછેરાયા છે, જે પૈકી 15 લાખ રોપાઓનું વિતરણ કરાયુ છે. તેમાંથી રૂ. ૪ લાખની આવક થઇ છે. તેમજ લોકો દ્વારા ઉછેરવામાં આવેલા 8 લાખ રોપા પૈકી 5 લાખ રોપાઓનું વિતરણ કરાયુ છે.