સિંધુભવન રોડ પર ગોટીલા ગાર્ડનની બહાર ઉભા કરાયા સ્માર્ટ પાર્કિંગ, 4 મિનિટનો કોઈ ચાર્જ નહીં
પાર્કિંગ અને ટ્રાફિક જામની સમસ્યાથી બચવા માટે વિશ્વના અનેક શહેરોમાં સ્માર્ટ પાર્કિંગ યોજના શરૂ કરવામાં આવી છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ આ સંદર્ભે પાયલોટ પ્રોજેક્ટ અમલમાં મૂકી દીધો છે. અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં થતાં આડેધડ પાર્કિંગ અને તેના કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ માટે સ્માર્ટ પાર્કિંગ પ્રોજેક્ટનો એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત શહેરના સિંધુભવન રોડ પર આવેલા ગોટીલા ગાર્ડનની બહાર સ્માર્ટ પાર્કિંગ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં વાહન ચાલકે નક્કી કરેલા સ્લોટમાં જ પોતાનું વાહન પાર્ક કરવાનું રહેશે. આ સ્માર્ટ પાર્કિંગમાં પાર્ક કરેલી કારના ચાલક પાસેથી 4 મિનિટ સુધી પાર્કિંગનો કોઈ ચાર્જ વસૂલવામાં નહી આવે.