ખેડૂતોએ 5 વર્ષ માટે ટેકાના ભાવે પાકની ખરીદીનો સરકારનો પ્રસ્તાવ ઠુકરાવ્યો, 21મીએ દિલ્હી કૂચ
‘દિલ્હી ચલો’ આંદોલનમાં ભાગ લેનારા ખેડૂત નેતાઓએ સરકારી એજન્સીઓ દ્વારા કઠોળ, મકાઈ અને કપાસની લઘુત્તમ ટેકાના ભાવે (એમએસપી) પાંચ વર્ષ માટે ખરીદી કરવાના કેન્દ્રના પ્રસ્તાવને ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે તે ખેડૂતોના હિતમાં નથી. આ સાથે જ બુધવારે રાષ્ટ્રીય રાજધાની તરફ કૂચ કરવાની જાહેરાત કરી હતી.ખેડૂતોના આંદોલન વચ્ચે સરકારે રવિવારે ચોથા રાઉન્ડની વાતચીતમાં ખેડૂતોને કેટલાક પાક પર MSP આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
ખેડૂતોએ સરકારના આ પ્રસ્તાવને ફગાવી દીધો છે. ખેડૂત સંગઠનોએ સોમવારે મોડી સાંજે શંભુ બોર્ડર પર પ્રેસ કોન્ફરન્સ યોજીને કેન્દ્રના પ્રસ્તાવને ફગાવી દીધો હતો અને તેમની ભાવિ વ્યૂહરચના જણાવી હતી. ખેડૂતોએ કહ્યું કે અમે ખેડૂત સંગઠનો સાથે બેઠક કરી અને સરકારના પ્રસ્તાવ પર ચર્ચા કરી. સરકારે કરેલી દરખાસ્તમાં કોઈ તથ્ય નથી. આ પ્રસ્તાવથી ખેડૂતોને કોઈ ફાયદો થશે નહીં. આ સાથે ખેડૂતોએ સરકારને મંગળવાર એટલે કે આજ સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. ખેડૂતોએ કહ્યું છે કે તેઓ 21 ફેબ્રુઆરીએ દિલ્હી કૂચ કરશે.