ગાંધીનગરની સ્વામિનારાયણ ધામ ઈન્ટરનેશનલ સ્કૂલ બહાર વાલીઓએ કર્યો હોબાળો
ગાંધીનગરનાં રાંદેસણ આવેલી SMVS સંસ્થા દ્વારા સંચાલિત સ્વામિનારાયણ ધામ ઈન્ટરનેશનલ સ્કૂલના સંચાલકો દ્વારા વાલીઓને જાણ કર્યા વિના જ એકતરફી રીતે આગામી સત્રથી શાળાનાં ગુજરાતી માધ્યમના 1 થી 8 ધોરણના વિધાર્થીઓ માટે શાળાનો સમય બપોરનો કરવાનો નિર્ણય કરી લેવામાં આવ્યો છે. જે મામલે વાલીઓમાં ખુબજ રોષની લાગણી વ્યાપી ગઇ છે. સ્કૂલ ખાતે આજે મોટી સંખ્યામાં વાલીઓએ એકઠા થઈ સંચાલકોને આવેદન પત્ર આપી સ્કૂલનો સમય નિત્યક્રમ મુજબ યથાવત રાખવાની માંગણી કરવામાં આવી હતી.
અચાનક વાલીઓનું ટોળું એકઠું થઈ જતાં ઈન્ફોસિટી પોલીસ પણ તાત્કાલિક સ્કૂલે પહોંચી ગઈ હતી. ત્યારે એકઠા થયેલા વાલીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, સ્કૂલ દ્વારા વાલીઓ સાથે ચર્ચા કર્યા વિના જ તઘલગી નિર્ણય લઈ લેવાયો છે. સ્કૂલની એપ્લિકેશન મારફતે મેસેજ મોકલીને શાળા સંચાલકોએ સમય બપોરનો કરવાની જાહેરાત કરી દેવાઈ છે. આ મામલે અત્યાર સુધીમાં વ્યક્તિગત રીતે સ્કૂલને વાલીઓએ રજૂઆત કરી હતી, પરંતુ સ્કૂલ તરફથી કોઈ હકારાત્મક જવાબ આપવામાં આવ્યો ન હતો. મોંઘીદાટ સ્કૂલ ફી ભરવા છતાં વાલીઓને વિશ્વાસમાં લીધા વિના જ શાળાનો સમય બદલી નાખવામાં આવ્યો છે. આ મામલે વાલીઓએ આવેદનપત્ર આપી સ્કૂલના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો. સ્કૂલનો સમય સવારનો જ રાખવાની માંગી કરાઈ હતી. આ અંગે વાલીઓએ સ્કૂલની સમસ્યાઓ અંગે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
આ અંગે સ્કૂલના આચાર્યે નિર્મલ પટેલે જણાવ્યું હતું કે, વાલીઓની રજૂઆત મળી છે. જે અંગેનું સ્કૂલ ટ્રસ્ટી મંડળને આવેદન પત્ર મોકલી આપવામાં આવ્યું છે. ટ્રસ્ટી મંડળ સ્કૂલના સમય બાબતે આખરી નિર્ણય લેશે.