કામ નહીં કરો તો વોટ નહીં..’ ગુજરાતમાં અહીં સોસાયટીઓની બહાર ચૂંટણી બહિષ્કારના બેનર
નડિયાદના ડભાણ રોડ પર કલેક્ટર કચેરી પાસે આવેલી ત્રણ સોસાયટીઓમાં છેલ્લા દોઢ વર્ષથી ગટર ઉભરાવાની સમસ્યા છે. જે અંગે તંત્ર દ્વારા કાયમી નિરાકરણ લાવવામાં ના આવતા સોસાયટીના રહિશોએ સોસાયટી બહાર ચૂંટણી બહિષ્કારના બોર્ડ લગાવ્યા છે. તેમજ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ચક્કાજામ કરવાની ચિમકી ઉચ્ચારી છે.
નડિયાદમાં ડભાણ રોડ પર કલેક્ટર કચેરીની બરાબર સામે આવેલી જીઈબી પાસેની પુષ્પવિહાર, પદ્માવતી અને શ્રીજી પુજન સોસાયટીમાં ૬૫થી વધુ પરિવારો વસવાટ કરે છે. છેલ્લા દોઢ વર્ષથી આ સોસાયટીઓના કોમન રસ્તા પર ગટરનો પ્રશ્ન વણઉકેલ્યો રહ્યો છે. ગટરનું પાણી ભરાઈ રહેતા રસ્તા પર લીલના થર જામી જતાં અકસ્માતનો ડર રહે છે. અસહ્ય દુર્ગંધથી સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠયાં છે. આ અંગે સ્થાનિકોએ યોગીનગર ગ્રામ પંચાયતથી લઈ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી હતી. જે-તે સમયે તાલુકા વિકાસ અધિકારીએ સ્થળ મુલાકાત કરી પ્રશ્નના ઉકેલની ખાતરી આપી હતી. તે વખતે સમસ્યાનું ટેમ્પરરી સમાધાન થયું હતું પરંતુ બાદમાં સમસ્યા જૈસે થે રહી હોવાનો આક્ષેપ રોષે ભરાયેલા સ્થાનિકોએ લગાવ્યો છે. તેમજ ત્રણેય સોસાયટીના રહીશોએ મતદાન બહિષ્કારનો નિર્ણય કરી સોસાયટીના પ્રવેશ માર્ગ પર ચૂંટણી બહિષ્કારના બેનર માર્યા છે. તથા આગામી બે દિવસમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો નડિયાદ-ડભાણ રોડ પર સોસાયટીના નાકે ચક્કાજામ કરવાની ચિમકી સ્થાનિક મહિલાઓએ ઉચ્ચારી છે.