ગુજરાતમાં મતદાન બાદ ક્ષત્રિયોને મોટો દાવો કર્યો, ‘ભાજપ જેવી જ અપનાવેલી રણનીતિ કામ કરી ગઇ..’
નોંધપાત્ર ક્ષત્રિય મતદારો ધરાવતી અને ‘ગોહિલવાડ’ તરીકે પ્રખ્યાત ભાવનગર લોકસભા બેઠક પર ક્ષત્રિય આંદોલનની સીધી અસર જોવા મળી હતી. રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરૂધ્ધ કરેલી વિવાદીત ટિપ્પણી બાદ રાજ્યવ્યાપી શરૂ થયેલાં વિરોધ પ્રદર્શન, સંમેલન-રેલીમાં ભાવનગરની હાજરી નોંધપાત્ર જોવા મળી હતી. જો કે, અંદાજે ત્રણેક સપ્તાહ પૂર્વે શરૂ થયેલાં આ આંદોલનની અસર આજે મતદાનના દિવસે પણ જોવા મળી હતી. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂધ્ધ મતદાનની કરેલી જાહેરાતનાં પગલે આજે સવારથી સંભવતઃ તમામ બૂથ પર એક જ પ્રશ્ન સાથેની ચર્ચા ચાલી રહી હતી કે બૂથમાં ક્ષત્રિય મતદારો કેટલા? મત કેટલા પડયાં?ભાજપ વિરૂધ્ધ મતદાનની જાહેરાતના પગલે ભાવનગર લોકસભા બેઠક પર ક્ષત્રિય પ્રભાવિત વિસ્તારોમાં આજે સવારથી જ મતદાન મથકો પર લાંબી કતાર જોવા મળી હતી. ભાવનગર શહેર કક્ષાએ કાળિયાબીડ તથા આસપાસના વિસ્તારોમાં આવેલાં બૂથમાં સવારના સુમારે કતારો જોવા મળી હતી. જોકે બપોર બાદ અહીં બુથ પર નિરસ વાતાવરણ જોવા મળ્યું હતું. એ જ રીતે શહેરનાં મિલેટ્રી સોસાયટી, ગણેશનગર, બોરતળાવ, નિર્મળનગર વિસ્તારોમાં આવેલા બૂથમાં પણ આવાં જ સિનારિયો જોવા મળ્યો હતો. એ જ રીતે જિલ્લાના દરિયાકાંઠે આવેલાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ સવારનાં સમયે બૂથ પર લોકોની કતાર જોવા મળ્યાના અહેવાલ છે. ઉલ્લેખનિય છે કે, આ વિસ્તારોમાં ક્ષત્રિય જ્ઞાાતિની સંખ્યા નોંધપાત્ર છે.