પોરબંદર લોકસભામાં આવતા ભાટ ગામે મતદાનનો બહિષ્કાર કર્યો, ફક્ત 16 જ મત પડ્યા
રાજ્યમાં 25 લોકસભા બેઠક પર શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. તમામ મતદારોએ હોંશભેર મતદાન કર્યું હતું. જેમાં પોરબંદર લોકસભામાં આવતું માંગરોળ તાલુકાનું 2,000 ની વસ્તી ધરાવતા ભાટ ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. તેમના ગામમાં પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે આ નિર્ણય કર્યો હતો. મતદાન કરવા માટે રાજકીય આગેવાનોએ કોલ પણ કર્યા હતા, છતા ગામ મક્કમ રહ્યું. જૂનાગઢ જિલ્લામાં માંગરોળ તાલુકાના ભાટ ગામનો પોરબંદર લોકસભા બેઠકમાં સમાવેશ થાય છે, ગામના સરપંચે જણાવ્યું કે, ‘તેમના ગામમાં 2,000 જેટલા લોકો વસવાટ કરે છે. અને ગામમાં 1046 જેટલા મતદારો છે, પરંતુ તેમાંથી માત્ર 16 જ મત પડ્યા હતા.
જેનું મુખ્ય કારણ જણાવતા કહ્યું કે, 2012થી ભાટ ગામને મુખ્ય તાલુકા મથકે જોડતો એકમાત્ર રસ્તો પસાર થાય છે. તે પણ બિસ્માર હાલતમાં છે, અને ખુબજ સાંકડો છે, પરંતુ વર્ષે વર્ષે આ સાંકડા રસ્તા પર અનેક દબાણો અને કેનાલો થવાથી રસ્તો ખૂબ જ સાંકડો બની ગયો છે, સાથે ગામમાં પીવાની પાણીની પણ સમસ્યા છે, જેના પરિણામે સમસ્ત ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો.’