કેજરીવાલે દેશના લોકોને કરી મોટી અપીલ ‘ઝાડુ પર બટન દબાવશો તો મારે ફરી જેલ જવું નહીં પડે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તિહાર જેલમાંથી વચગાળાના જમીન પર છુટયા પછી પૂરા જોશથી લોકસભા ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. કેજરીવાલે રવિવારે નવી દિલ્હી લોકસભા બેઠક પર આપના ઉમેદવાર સોમનાથ ભારતીના સમર્થનમાં મોતીનગરમાં રોડ શો કર્યો હતો. આ સમયે તેમણે લોકોને અપીલ કરી કે 25 મેના રોજ તમે ઝાડુનું બટન દબાવશો તો મારે ફરી જેલ જવું નહીં પડે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કૃષ્ણનગરમાં રોડ શો કરતા લોકોને કહ્યું કે, આ લોકો કહી રહ્યા છે કે મારે ૨૦ દિવસ પછી ફરી જેલમાં જવું પડશે. તમે લોકો 25 મેના રોજ ઝાડુ પર બટન દબાવશો તો મારે જેલ નહીં જવું પડે. મારી ભૂલ એ હતી કે મેં તમારા સંતાનો માટે સ્કૂલ બનાવી. તમારા ઘરમાં કોઈ બીમાર હોય તો તમારા માટે હોસ્પિટલો બનાવી અને મફત દવાની વ્યવસ્થા કરાવી, પરંતુ તિહારમાં તેમણે 15 દિવસ સુધી મને ઈન્સ્યુલિન પણ આપ્યું નહીં. મેં તમારા માટે કામ કર્યું એટલે આ લોકોએ મને જેલમાં ધકેલી દીધો. હવે ફરી હું જેલમાં જઈશ તો આ લોકો તમારા બધા જ કામ અટકાવી દેશે.
અરવિંદ કેજરીવાલે આપનો 10 ગેરેન્ટીનો કાર્યક્રમ પણ જાહેર કર્યો, જેમાં ગરીબોને ૨૦૦ યુનિટ મફત વીજળી, એક વર્ષમાં બે કરોડ નોકરી, ચીને પચાવી પાડેલી જમીન પાછી લેવા સૈન્યને ખુલ્લી છૂટનો સમાવેશ થાય છે. કેજરીવાલે કહ્યું કે, મારી ધરપકડના કારણે આપનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં થોડો વિલંબ થઈ ગયો, પરંતુ હજુ પણ અનેક બેઠકો પર ચૂંટણી બાકી છે. આ કેજરીવાલની ગેરેન્ટી છે કે ઈન્ડિયા બ્લોકની સરકાર બન્યા પછી આ ગેરેન્ટી પૂરી કરાવીશ. આ ગેરેન્ટી ભારતનું વિઝન છે.
બીજીબાજુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પક્ષના ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. તેમણે કહ્યું કે, મને સમાચાર મળ્યા છે કે ભાજપે તમને લાલચ, ધમકી આપીને તોડવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ તમે બધા મજબૂત રહ્યા અને કોઈ તૂટયા નહીં. સાંભળ્યું છે કે ઈન્દોર અને સુરતવાળા ચૂંટણી પહેલા જ ભાગી ગયા. હું 21 દિવસ માટે છૂટયો છું અને બીજી જૂને ફરી જેલમાં જવાનું છે. આ દેશનું ભવિષ્ય હવે માત્ર આમ આદમી પાર્ટીના હાથમાં છે. અન્ય પક્ષોને દેશે અજમાવી જોયા છે. આગામી સમયમાં ‘આપ’ જ દેશનું સુકાન સંભાળશે.