ગુજરાત અમદાવાદમા સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી એડવાઈઝરી
ગુજરાતમાં ભયંકર ગરમી પડી રહી છે, જેને લઈને લોકો હેરાન પરેશાન છે. રાજ્યના વધુ પડતાવિસ્તારોમાં તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. હવામાન વિભાગે રેડ એલર્ટની આગાહી કરી હતી. જે અનુસાર અમદાવાદમાં બે દિવસ સુધી ગરમી રહેશે. હજુ રાજકોટ, વડોદરા, અમદાવાદ જેવા મહાનગરોમાં 25 મે સુધી તાપમાન 45 ડિગ્રી રહેવાની ચેતવણી જારી કરી છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ કરાયેલા તાપમાનની વાત કરીએ તો આજે (23 મે) અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું. અમદાવાદમાં 46.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. તો ગાંધીનગરમાં પણ 46 ડિગ્રી તાપમાન રહ્યું. જાણો આજે કયા શહેરમાં કેટલું મહત્તમ તાપમાન નોંધાયું.
સ્થળ મહત્તમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ. 46.6
ગાંધીનગર 46
સુરેન્દ્રનગર. 45.9
કંડલા 45.5
ડીસા 45.4
વડોદરા 45
અમરેલી 44.4
રાજકોટ 43.8
ભુજ 42.8
બપોરના સમયે ખાસ કરીને 12 વાગ્યાથી સાંજે 6 વાગ્યા વચ્ચે લોકોને ઘરની બહાર ન નિકળવા સલાહ આપવામાં આવી છે. એટલા માટે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરી દેવાયું છે. આ સિવાય અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગે આગામી એક અઠવાડિયા દરમિયાન ગરમીથી રાહતની કોઈ સંભાવના વ્યક્ત નથી કરી. પરંતુ એક અઠવાડિયા બાદ ગરમી એક ડિગ્રી સુધી ઓછી થઈ શકે છે.
વડોદરામાં સતત વધતી જતી ગરમી વચ્ચે 24 કલાકમાં બે યુવાન અને બે વૃદ્ધના મોત થયા છે. જોકે, તેઓના મોત ગરમીના કારણે થયા હોવાનું સ્પષ્ટ નથી. પી.એમ.થયા પછી જ તેઓના મોતનું કારણ જાણી શકાય. પરંતુ, પરિવારજનો ના પાડતા હોવાથી પી.એમ. થતું નથી.
ભારતના મોટા હિસ્સામાં પ્રચંડ ગરમીનો કહેર યથાવત છે. બાડમેરમાં આ વર્ષનું અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન નોંધાયું છે. આકરી ગરમી વચ્ચે દિલ્હીમાં યમુના નદીના જળ સ્તરમાં પણ ઘટાડો નોંધાયો છે. જેના કારણે પાણી પુરવઠાને અસર થઈ છે. ભારતીય હવામાન વિભાગે આગામી થોડા દિવસોમાં ઉત્તર-પશ્ચિમ ભારતમાં ત્રણથી ચાર ડિગ્રીના વધારાની આગાહી સાથે સ્થિતિ વધુ વણસે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગે રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં તમામ વયના લોકોમાં ગરમીથી થતી બીમારીઓ અને હીટસ્ટ્રોકની ખૂબ વધુ શક્યતા વ્યક્ત કરી છે. IMDએ જણાવ્યું કે, ગરમીની રાતની સ્થિતિ આગામી 4 દિવસોમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનમાં ગરમીથી સબંધિત તણાવને વધારી શકે છે.