હિંમતનગરના ગામડી પાસે અકસ્માતમાં સ્થાનિકનું મોત થતાં લોકોનો ચક્કાજામ
હિંમતનગરના ગામડી પાસે એક અજાણ્યા વાહન ચાલક દ્વારા ટક્કર મારતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. અકસ્માતમાં સ્થાનિક વ્યક્તિના મોતના પગલે ગ્રામજનો રોષે ભરાયા હતા અને અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. સ્થાનિકો દ્વારા ચક્કાજામ કરવામાં આવતા હાઈવે પર 5 કિ.મી. જેટલો ટ્રાફિકજામ સર્જાયો છે. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી. માહિતી અનુસાર સ્થાનિકો અને પોલીસ વચ્ચે પણ ઘર્ષણ થયું હતું. પ્રાપ્ત પ્રાથમિક વિગત અનુસાર અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે પર હિંમતનગરના ગામડી પાસે અજાણ્યા વાહને ટક્કર મારતા સ્થાનિક વ્યક્તિનું મોત નીપજયું હતું. સ્થાનિક વ્યક્તિનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હોવાની જાણ થતાં હાઈવે પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. ટોળાએ હાઇવે પર ટાયરો સળગાવી વિરોધ વ્યક્ત કર્યો હતો.
રોષે ભરાયેલા સ્થાનિકો દ્વારા હાઈવે પર પથ્થરો અને સુકા વૃક્ષો મુકીને રસ્તો બ્લોક કરી દીધો હતો. જેના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. 5 કિ.મી. સુધી હાઈવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. બનાવ અંગે ગાંભોઇ પોલીસને જાણ થતાં પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી. એ સમયે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિકોએ પોલીસનો પીછો કરી પોલીસને ભગાડી હતી. પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. એવી પણ માહિતી છેકે એક વાહનને આગચંપી પણ કરવામાં આવી હતી.