રાજકોટ અગ્નિકાંડમાં થયેલા મોત હત્યાથી ઓછું નથી, હાઈકોર્ટે સરકારની કાઢી ઝાટકણી
રાજકોટ અગ્નિકાંડ મામલે ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ છે. ત્યારે આ મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે. ગેમ ઝોનમાં થેલ અગ્નિકાંડમાં 28 લોકોના મોત થયા છે ત્યારે આ મામલે હાઈકોર્ટે કહ્યું કે તે હત્યાથી ઓછું નથી, હાઈકોર્ટે કહ્યું કે નિયમોનું પાલન કરવામાં વિભાગ નિષ્ફળ નીવડ્યું છે. અમને હવે રાજ્ય સરકાર અને તંત્ર પર જરાય પણ ભરોસો નથી.
આ સમગ્ર મામલો હાઈકોર્ટ પહોચ્યોં હતો ત્યારે હાઈકોર્ટે વિભાગની ઝાટકણી કાઢતા કહ્યું છે કે ગેમઝોનને કેવી રીતે વપરાશની મંજૂરી મળી, કેટલા સમયથી આ ગેમઝોન કાર્યરત હતું છત્તા પણ કોઈ સુરક્ષાને લઈને કામગીરી કરવામાં આવી નથી. આ સમગ્ર મામલે અરજદાર હાઈકોર્ટમાં જણાવ્યું હતુ કે રાજ્ય સરકારમાં બાંધકામ માટે GDCRના નિયમોનું પાલન કરવાનું હોય છે, રાજકોટ ગેમઝોનમાં પણ કોઈપણ પ્રકારની મંજૂરી લીધી ન હતી.
હવે આ સમગ્ર મામલે સુઓમોટોની જાહેર હિતની અરજી પર સુનાવણી થઈ રહી છે. સરકાર તરફથી બંને એડવોકેટ જનરલ કોર્ટમાં હાજર રહ્યા હતા. રાજકોટ, અમદાવાદ, વડોદરા મનપાના વકીલો આ સમયે હાજર હતા. ત્યારે હાઇકોર્ટે ઝાટકણી કાઢતા રાજ્ય સરકાર અને વિવિધ કોર્પોરેશન પાસે જવાબ માંગ્યો છે.
હવે રાજ્યમાં ફાયર સેફ્ટીના નિયમોના પાલન અંગે જવાબ રજૂ થઇ શકે છે SITનો પ્રાયમરી રિપોર્ટ પણ કોર્ટમાં રજૂ થઈ શકે છે. ઘટના બાદ સ્થાનિક તંત્ર અને સરકારે લીધેલા પગલાં મુદ્દે પણ રજૂઆત થશે. હાઇકોર્ટે રાજકોટ અગ્નિકાંડને માનવસર્જિત ડિઝાસ્ટર ગણાવ્યું હતુ જે બાદ હવે આ સમગ્ર મામલે હાઈકોર્ટ સરકાર પાસે જવાબ માંગી રહી છે.
રાજકોટના અગ્નિકાંડ બાદ સમગ્ર મુદ્દે હાઇકોર્ટની વિશેષ બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરાઇ હતી, ત્યારે, આ ઘટના માનવસર્જિત હોવાનું કોર્ટે નોંધ્યું છે. આ ગેમ ઝોનમાં નિર્દોષ બાળકોના જીવ ગયા હોવાની કોર્ટે નોંધ લીધી હતી. તેમજ, ગેમિંગ ઝોન ચલાવવા અને બનાવવા માટેની પરવાની ન લીધી હોવાનું પણ કોર્ટના ધ્યાને મૂકાયું છે, ત્યારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના કોર્પોરેશન પાસે હાઇકોર્ટે ખુલાસો માગ્યો છે અને આ ખુલાસો એક જ દિવસમાં આપી દેવા કડક નિર્દેશ પણ કર્યા છે.
જેમાં ફાયર સેફ્ટીના નિયમોના પાલનથી લઇ અનેક મુદ્દે ખુલાસા થશે, એટલું જ નહીં, હાઇકોર્ટે અમદાવાદના ગેમિંગ ઝોન લોકો માટે ખતરારૂપ ગણાવ્યા છે. અમદાવાદના સિંધુભવન, સરદાર પટેલ રિંગ રોડ, એસ.જી. હાઇવેના ગેમિંગ ઝોન લોકો માટે ખતરારૂપ હોવાનું કહ્યું. મહત્વનું છે, હાઇકોર્ટે સ્વયં સંજ્ઞાન લઇને સુઓમોટો પિટીશન દાખલ કરી છે. હવે તપાસ બાદ જ વધુ ખુલાસા થશે.