Uncategorizedરાષ્ટ્રીય

રાજકોટ બાર એસોસિએશન દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય

રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી આગની ઘટનામાં 28થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે આજે રાજકોટ બાર એસોસિએશન દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. ટીઆરપી ઝોનમાં લાગેલી આગની ઘટનામાં રાજકોટના વકીલો દ્વારા આરોપીઓ તરફથી કોઇપણ કેસ લડવામાં આવશે નહીં. તેમજ મૃતકોના પરિવારજનોને વકીલ રોકવા હશે કે કોઇ દલીલ કરવી હશે તો મફતમાં કેસ લડવામાં આવશે.

રાજકોટ બાર એસોસિએશનના પ્રેસિડન્ટ બકુલ રાજાણીએ જણાવ્યું છેકે, રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં જે દુઃખદ ઘટના બની છે. તેમાં રાજકોટ બાર એસોસિએશને એક ઠરાવ પસાર કર્યો છેકે, મૃતકોના આત્માને શાંતિ મળે અને એકપણ આરોપીનો વકીલે કેસ લડવાનો નથી. જેમાં 3500 જેટલા વકીલો જોડાશે તેવી મને પૂરી આશા છે. જો આરોપીને આજે સાંજ સુધીમાં રજૂ કરવામાં આવશે તો આમ તો સૌરાષ્ટ્રના તમામ વકીલોએ અમને સમર્થન આપ્યું છે, તેમ છતાં જો બહારથી કોઇ વકીલ વકીલાતનામું કરશે તો બાર એસોસિએશનની ટીમ તેમને રોકવાના પૂરતા પ્રયાસો કરશે. તેમજ જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવવી જોઇએ.

રાજકોટ બાર એસોસિએશનના વાઇસ પ્રેસિડન્ટ સુરેશ ફળદુએ જણાવ્યું છેકે, રાજકોટ બાર એસોસિએશન દ્વારા એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટ બાર એસોસિએશનમાં જોડાયેલા તમામ સભ્યોને જે-જે આરોપીઓ છે, જવાબદાર છે તેવા કોઇપણ આરોપી તરફથી રાજકોટ બાર એસોસિએશનના સભ્યોએ વકીલાત કરવાની નથી. કોઇપણ પ્રકારના લાયસન્સ વગર આટલા વર્ષોથી આ ગેમ ઝોન ચાલુ હતું અને અધિકારીઓ પણ પોતાના પરિવારને લઇને ગયા છે ત્યારે આ અધિકારીઓને પણ આવું દેખાતું નથી કે આમા કોઇપણ પ્રકારની પરવાનગી કે લાયસન્સ નથી. હમણા અમુક લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરવાનો મતલબ કે આ લોકો ક્યાંકને ક્યાંક કસૂરવાર છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં આવી અસંખ્ય ઘટનાઓ ઘટી છે. ઘણા લોકોએ પરિવારના સ્વજનો ગુમાવ્યા છે. કોઇ અધિકારીને કંઇ લાગતું વળગતું ન હોય એ રીતે સહેલાયથી આ બધી બાબતોને જોવામાં આવે છે. અત્યારસુધીની ઘટનામાં કોઇ અધિકારીને સંડોવવામાં આવતા નથી. મુખ્ય જવાબદાર અધિકારીઓ હોય છે. એ અધિકારીઓ આવા પીળા પરવાના આપી દેતા હોય, જેના કારણે નિર્દોષ લોકોને જીવ ગુમાવવો પડે છે. આ ઘટનાને હળવાશથી ન લેવી જોઇએ. રાજકોટ બાર એસોસિએશન જે-જે લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમના પરિવારજનોની સાથે છે. અમારાથી બનતા પ્રયાસો કરવામાં આવશે અને મદદરૂપ થઇશું. પોલીસ કમિશનરને જે કંઇ રજૂઆત કરવી પડતી હશે તે રજૂઆત કરીશું. તપાસ પારદર્શક થાય, જે કંઇ ક્ષતિ છે તેને દૂર કરવામાં આવશે. આજે પણ જે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેમાં રાજકોટ બાર એસોસિએશનની ટીમ ખડે પગે રહેશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x