2 વર્ષમાં ગુજરાતમાં વિદેશી રોકાણમાં 200%નો વધારો નોંધાયો
ભારતના મોટા ભાગના રાજ્યો વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ(FDI) ને આકર્ષવા ગુજરાત મોખરે રહ્યું છે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT)ના ડેટા અનુસાર, ગુજરાતમાં નાણાકીય વર્ષ 20-21 માં રૂ. 20,169 કરોડની સામે 2023-24 ના નાણાકીય વર્ષમાં રૂ. 60,600 કરોડનું રોકાણ થયું છે, આમ વિદશી મૂડી રોકાણમાં 201% વૃદ્ધિ થઇ છે.
ગુજરાત પછી, તેલંગાણા (109.7%), ઝારખંડ (87.5%), ઉત્તર પ્રદેશ (70.6%) અને મહારાષ્ટ્ર (8.8%) એ બે વર્ષના સમયગાળા દરમિયાન FDIમાં સૌથી વધુ વૃદ્ધિ નોંધાવી છે.
એક અહેવાલ મુજબ ગુજરાત રાજ્ય સરકારના નીતિ-આધારિત અભિગમને કારણે વિદેશી રોકાણમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. અહેવાલ મુજબ ગુજરાત રાજ્ય પાસે લગભગ સંખ્યાબંધ નીતિઓ છે જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉદ્યોગોને લાભ આપે છે, જેને કારણે રોકાણકારો ગુજરાત પર વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.
અહેવાલ મુજબ રાજ્યનો ક્લસ્ટર-આધારિત અભિગમ પણ એક કારણ છે. ગુજરાતમાં માંડલ-બેચરાજી અને દહેજમાં સ્પેશીયલ ઇન્વેસ્ટમેન્ટ ઝોન ઉપરાંત કાપડ, રસાયણો અને એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રોને સમર્પિત ઔદ્યોગિક ક્લસ્ટરો છે. સારા એરપોર્ટ અને દરિયાઈ જોડાણ પણ મહત્વના પરિબળો છે. વધુમાં, ગિફ્ટ સિટી ફિનટેક રોકાણોને આકર્ષવામાં મોટી ભૂમિકા ભજવી રહ્યું છે.