ક્ષત્રિય આંદોલન શબ્દ સાંભળતા રૂપાલા હાથ જોડી ઉભા થઈ ગયા
રાજકોટ બેઠકનું પરિણામ ગઈકાલે સાંજે જાહેર થયું પણ બપોરે જ ટ્રેન્ડ પરથી પરિણામ નક્કી થઈ ગયું હતું ત્યારે પરશોત્તમ રૂપાલાએ કાર્યકરોની મહેનત અને સંતોના આશિર્વાદથી જીત મળ્યાનું કહીને જ્યારે તેમને ક્ષત્રિય આંદોલન…વિષે પ્રશ્ન પુછવા પ્રયાસ થયો ત્યારે પ્રશ્ન પૂરો થતા પૂર્વે જ તે હાથ જોડીને કશુ બોલ્યા વગર ઉભા થઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે ક્ષત્રિયો વિશે વિવાદિત ટિપ્પણી કર્યા બાદ આ વખતે ગુજરાતના રાજકારણમાં સૌથી મોટો મુદ્દો રૂપાલા જ બની ગયા હતા અને તેમનો જોરશોરથી વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે તેમની સામેના વિરોધની અસર નહીંવત રહી અને રૂપાલાનો જોરદાર બહુમતી સાથે વિજય થયો. તેમની સામે ઊભેલા કોંગ્રેસી ઉમેદવાર પરેશ ધાનાણીનો પરાજય થયો હતો.
રૂપાલાએ જીત બાદ પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે રાજકોટના વિકાસમાં તેઓની સક્રિય ભૂમિકા રહેશે તેવો મતદારોને વિશ્વાસ આપ્યો હતો. જ્યારે હાર સ્વીકારી લેનાર કોંગ્રેસના પરેશ ધાનાણીએ કહ્યું કે હાર જીત અલગ બાબત છે પણ અમે લડત આપી છે, મતદારોએ જીત નથી આપી પણ મત આપ્યા છે અને તેઓ રાજકોટના મતદારોના પ્રશ્ને અવાજ ઉઠાવતા રહેશે.