પોરબંદર બેઠક પર મનસુખ માંડવિયાનો ભવ્ય વિજય
લોકસભા ચૂંટણીના પરિણામ આજે (ચોથી જૂન) જાહેર થયા છે. જેમાં પોરબંદર બેઠક પરથી ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયાને મોટી જીત મળી છે. મનસુખ માંડવિયાને 6,25,962 મત મળ્યા છે તો કોંગ્રેસ ઉમેદવાર લલીત વસોયાને 2,45,677 મત મળ્યા છે આમ, મનસુખ માંડવિયાની 3,80,285 મતના મોટા માર્જિનથી જીત મળી છે.
ભાજપે પોરબંદર બેઠક પરથી કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાને ટિકિટ આપી છે જે પાટીદાર સમાજમાંથી આવે છે. તો કોંગ્રેસે પણ પાટીદાર અને સૌરાષ્ટ્રના લડાયક નેતા લલિત વસોયાને ટિકિટ આપી છે. મનસુખ માંડવિયા પહેલીવાર 2002માં પાલીતાણા મતવિસ્તારમાંથી ચૂંટાયા ત્યારે ગુજરાતના સૌથી યુવા ધારાસભ્ય બન્યા હતા. તેઓ 2012 પ્રથમ વખત રાજ્યસભામાં ચૂંટાયા હતા અને 2016માં પ્રથમ વખત કેન્દ્રીય મંત્રી બન્યા હતા ત્યાર બાદ 2018માં ફરી એક વખત રાજ્યસભામાં ચૂંટાયા હતા. આમ, આ બેઠક પર પાટીદાર Vs પાટીદાર જંગ હતી.
મનસુખ માંડવિયા સામે કોંગ્રેસે લલિત વસોયાને ઉમેદવાર બનાવ્યા છે જે 2017માં ઉપલેટા વિધાનસભામાં હરિભાઈ પટેલને હરાવી ધારાસભ્ય બન્યા હતા. ત્યાર પછી કોંગ્રેસે ફરી તેમના વિશ્વાસ મૂકીને 2019માં પોરબંદર બેઠક પર ઉમેદવાર બનાવ્યા હતા જેમાં તેમની હાર થઈ હતી. કોંગ્રેસે ફરી 2022ની વિધાનસભામાં તેમને ટિકિટ આપી હતી. જો કે તેમાં પણ તેમનો પરાજય થયો હતો. આમ છતાં, કોંગ્રેસે આગામી 2024ની લોકસભાની ચૂંટણી માટે ફરી લલિત વસોયા પર વિશ્વાસ મૂક્યો હતો.
એ વખતે ભાજપના ઉમેદવાર રમેશભાઈ ધડુકને 5,63,881 મત મળ્યા હતા, જ્યારે લલિત વસોયાને 3,34,058.
ભાજપ ઉમેદવારને 59.36 ટકા અને કોંગ્રેસ ઉમેદવારને 35.17 મત મળ્યા હતા.
એ વર્ષે બસપા, અપક્ષ અને નોટામાં પણ સરેરાશ સાત હજાર મત પડ્યા એટલે કે આ બેઠક પર થોડા મતોનો ઉલટફેર પણ ગમે તે પક્ષની બાજી પલટાવી શકે એમ હતો પોરબંદર બેઠક પર 1991થી 2004 સુધી ભાજપની સાત જીત
આ બેઠક પર ભાજપ આઠ વખત જીતી છે અને 1991થી 2004 સુધી ભાજપના કબજામાં રહી હતી. જો કે 2009માં વિઠ્ઠલ રાદડિયા કોંગ્રેસ ઉમેદવાર તરીકે આ બેઠક પરથી વિજેતા બન્યા હતા, પરંતુ રાદડિયા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાતા આ બેઠક પર 2013માં પેટા ચૂંટણી થઈ હતી. એ ચૂંટણીમાં ભાજપમાંથી વિઠ્ઠલ રાદડિયા ફરી વિજયી બનતા બેઠક ફરી એક વખત ભાજપના કબજામાં આવી ગઈ હતી.
ભારતના પશ્ચિમ દરિયાકાંઠે વસેલું શહેર અંગ્રેજોના શાસનમાં રજવાડું હતું. જો કે પોરબંદર સુદામાપુરી અને મહાત્મા ગાંધીજીની જન્મ ભૂમિ તરીકે પણ પ્રખ્યાત છે. પોરબંદર લોકસભા મત વિસ્તારમાં પોરબંદર જિલ્લાના માત્ર બે જ વિધાનસભા મત ક્ષેત્રો પોરબંદર અને કુતિયાણાનો સમાવેશ થાય છે. જયારે રાજકોટ જિલ્લાના ૩ વિધાનસભા મતક્ષેત્રો ગોંડલ, જેતપુર અને ધોરાજીનો તથા જૂનાગઢ જિલ્લાના બે વિધાનસભા મતક્ષેત્રો માણાવદર અને કેશોદનો સમાવેશ થાય છે. આ બેઠક ઉપર સૌથી વધુ લેઉઆ અને કડવા પટેલો મળી અંદાજે 5 લાખ પાટીદાર મતદારો છે. પરિણામે આ બેઠક પર હંમેશા પાટીદાર મતદારો નિર્ણાયક રહ્યા છે.