સુપ્રીમ કોર્ટેએ હિમાચલ પ્રદેશને ૧૩૭ ક્યુસેક વધારાનું પાણી છોડવાનો આદેશ આપ્યો
દેશની રાજધાની દિલ્હીમાં ચાલી રહેલા જળ સંકટની વચ્ચે સુપ્રીમ કોર્ટે હિમાચલ પ્રદેશને ૧૩૭ ક્યુસેક વધારાનું પાણી છોડવાનો આદેશ આપ્યો છે. ન્યાયમૂર્તિ પી કે મિશ્રા અને ન્યાયમૂર્તિ કે વી વિશ્વનાથનની વેકેશન બેન્ચે જણાવ્યું છે કે હિમાચલ પ્રદેશ સરકારને કોઇ વાંધો નથી અને તે તેની પાસે ઉપલબ્ધ વધારાનું પાણી છોડવા તૈયાર છે.
ખંડપીઠે નિર્દેશ આપ્યા છે કે હરિયાણા સરકાર હિમાચલ પ્રદેશ દ્વારા છોડવામાં આવેલા વધારાના પાણીના પ્રવાહને સુગમ બનાવી રાખવામાં મદદ કરે જેથી પાણી દિલ્હી સુધી પહોંચી શકે.સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યુ છે કે દિલ્હી સરકારને પણ પાણીનો બગાડ કરવો જોઇએ નહીં. કોર્ટે હિમાચલ પ્રદેશને સાત જૂને વધારાનું પાણી છોડવાના નિર્દેશ આપ્યા છે. હિમાચલ પ્રદેશે આ અંગેની માહિતી હરિયાણાને પણ આપવી પડશે. દિલ્હીમાં ભીષણ ગરમીની વચ્ચે કેટલાક સમયથી લાખો લોકોને પાણી માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. કોર્ટે ૧૦ જૂને સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું છે કે પાણીના મુદ્દે કોઇ રાજકારણ રમાવું ન જોઇએ. કેસની આગામી સુનાવણી ૧૦ જૂનના રોજ રાખવામાં આવી છે.
અરજીમાં ભાજપ શાસિત હરિયાણા અને કોંગ્રેસ શાસિત હિમાચલ પ્રદેશને પક્ષકાર બનાવવામાં આવ્યા છે અને જણાવવામાં આવ્યું છે કે જીવિત રહેવા માટે પાણી જરૂરી છે અને મૂળભૂત માનવ અધિકાર પૈકીનો એક છે.